હિન્દ ન્યૂઝ, ડીસા,
ડીસા શહેરના મુખ્ય-માર્ગો પર ભૂગર્ભ ગટરમાં ચાલી રહેલા કામના લીધે નગરજનોની હાલત ખુબજ કફોડી બની ગઈ છે. એ વિષે ન.પા.ના પદાધિકારીઓ અને સત્તાધીશોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો તેમ છતાં શી-ખબર કેમ ? એની કાંઈ જ અસર જોવા ન મળી !!! ડીસા અર્બન હેલ્થના અધિકારીઓની તો આ બાબતે વિશેષ જવાબદારી છે. વળી સરકારની ચોક્કસ ગાઈડલાઈન હોવા છતાં એ પણ કેમ આટલી ગંભીર બાબતે ચુપકીદી સેવી રહ્યા છે. એ પણ સમજણ બહારની વાત છે !! એક તરફ પ્રજામાં કોરોનાનો ડર ઘટવાના બદલે હજુ’ય વધી રહ્યો છે. બીજી તરફ સત્તાધીશોની અણસમજના કારણે શહેરના સમગ્ર વિસ્તારમાં સતત ઉડતી ધૂળની ડમરીઓનો શિકાર નગરજનો બની રહ્યા છે. આ તબક્કે આરોગ્ય વિભાગ એની જવાબદારી સ્વીકારીને જરૂરી પગલાં ભરાવવા કદાચ અસમર્થ હોઈ શકે પરંતુ શહેરના જવાબદાર નાગરીક તરીકે ન.પા.ના સમજણ વગરના શાસકોને શહેર અને શહેરીજનોના હિતમાં ફરી એકવાર ઢંઢોળીને જગાડવાનો પ્રયાસ કરવો જરૂરી માનીને સત્વરે અમલ કરાવી શકાય એવા સૂચન કરી રહ્યો છું. જલારામ મંદિરથી સરદાર-બાગ થઈને ફુવારા સર્કલ સુધી અને ફુવારા સર્કલથી ગાયત્રી મંદિર સુધીના માર્ગોનું ડામર-કામ સત્વરે ચાલુ કરવામાં આવે. જ્યાં સુધી ડામર રોડનું કામ ચાલુ ના થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે આવા માર્ગો પર મરુડ (માટી) પથરાવીને પાણીનો છંટકાવ કરાવો જેથી ધૂળની ડમરીઓ ઉડતી બંધ થઈ શકે. ઉપરોક્ત માર્ગોમાં અંદરના માર્ગોમાંથી આવતી લાઈનનું જોડાણ કરવાનું બાકી હોય તો એવી લાઈનોનું પણ મુખ્ય લાઇન સાથે સત્વરે જોડાણ આપવાની કામગીરી પણ આરંભી દેવી જોઈએ. જેથી તમારી વહીવટી ભૂલના કારણે નવા રસ્તાઓને ફરીથી તોડવાનો વારો ના આવે. જો આવી કોઈ બેદરકારી સેવશો તો પ્રજાના લાખો-કરોડો રૂપિયા પાણી બનીને ગટરમાં વહી જશે. એ પણ એટલું જ સત્ય છે. (નોંધ : શહેરીજનોના આરોગ્યને નુકશાન ના પહોંચે એની વિશેષ દરકાર કરીને સહેલાઈથી અમલ થઈ શકે તેવા સાવ સામાન્ય સૂચનો કર્યા છે. આશા રાખું છું કે આપ પણ નગરજનોનું હિત ધ્યાનમાં રાખીને સત્વરે અમલ કરશો/કરાવશો.
અહેવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા