હિન્દ ન્યૂઝ, વાંકાનેર,
મોરબી-વાંકાનેર સીટી પોલીસ દ્વારા એક ચોરાઉ બાઈક, એક ચોરાઉ લેપટોપ અને પંદર ચોરાઉ મોબાઇલ સાથે ત્રણ ઇસમોની અને તે ચોરાઉ માલ ખરીદનાર તરીકે એક ઈસમની એમ કુલ મળીને ચાર ઇસમોની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. વાંકાનેર સીટી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીટી પીઆઇ બી.પી.સોનારા તેમજ સ્ટાફના કિરીટસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, રમેશભાઈ કાનગડ અને મુકેશ ફાંગલીયા સહિતનો સ્ટાફ રાઉન્ડમાં હતો ત્યારે ચંદ્રપુર ગામ પાસે ચંદ્રપુરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ દંગા પાસેથી ત્રિપલ સવારીમાં નીકળેલા ત્રણ ઈસમોને અટકાવીને તેમાં તેમની પાસે રહેલ બાઈકના કાગળિયા માંગ્યા હતા. જેથી ત્રણેય ગલ્લા તલ્લા કરવા લાગતા તેમની પાસે રહેલ બાઇકના એન્જિન-ચેસીસ નંબરને આધારે પોકેટ કોપ એપ્લિકેશન વડે તપાસ કરવામાં આવતા તેમની પાસે રહેલ બાઈક તેમણે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું ખુલ્યું હતુ જેથી ત્રણેયને રાઉન્ડઅપ કરીને તેઓને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને તેઓની તલાશી લેવામાં આવતા પકડાયેલા ત્રણ ઈસમો પાસેથી કુલ ચાર મોબાઇલ મળી આવ્યા હતા અને તેઓની આકરી પૂછપરછ કરવામાં આવતા તેઓએ ચોંકાવનારી વિગતો આપી હતી કે તેઓએ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા, માટેલ અને સરતાનપર રોડ સહિતના વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાઓએથી ૧૫ જેટલા મોબાઇલની ચોરી કરી છે અને એક લેપટોપની ચોરી કરી છે તેમજ રાજકોટના કુવાડવા વિસ્તારમાંથી એક બાઇકની ચોરી કરી છે. હાલ પોલીસે ત્રણ ઈસમોને તેમજ આ ચોરાઉ મોબાઇલ ખરીદનાર ચોટીલાના કુંઢડા ગામના કાઠી દરબારની ધરપકડ કરી છે. વાંકાનેર સીટી પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં લખન નારણ મારવાડી રાજપુત (૨૦) રહે.વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે દંગામાં મૂળ રહે. રાજસ્થાન, દિલીપ કિશોર અપારનાથી જાતે બાવાજી (૨૨) રહે.અમદાવાદ-લીમડી હાઇવે દંગામાં, રવિ મુકેશ વાળંદ (૨૨) રહે.લીમડી તેમજ ચોટીલાના કુંઢડા ગામના જયરાજ વલકુ ગોવાળિયા જાતે કાઠી દરબાર (૩૦) ની ધરપકડ કરવામાં આવેલ છે. જાણવા મળ્યા મુજબ લખન, દિલીપ અને રવિ મોબાઇલોની ચોરી કરતા હતા અને ચોરીનો માલ તેઓ ચોટીલાના કુંઢડા ગામના જયરાજ વલકુ કાઠીદરબારને વેચતા હતા. તાજેતરમાં પકડાયેલા ત્રણ ઇસમોના જણાવ્યા પ્રમાણે તેઓએ સરતાનપર રોડ ઉપરથી એક કારખાનામાંથી લેપટોપની ચોરી કરી છે. જ્યારે ઢુવા, માટેલ અને સરતાનપર રોડ વિસ્તારના કારખાનાઓના લેબર કવાટરમાંથી તેમજ અન્ય જગ્યાઓએથી ૧૫ મોબાઇલોની ચોરી કરી હતી. શું હતી ગેંગની મોડસ ઓપરેન્ડી..? વાંકાનેર સીટી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખન, દિલીપ અને રવિ ભીક્ષવૃતીના નામે ફરતા હતા અને જ્યાં પણ જે હાથ લાગે તે હાથ સાફ કરી નાખતા હતા મોટાભાગે તેઓ બપોર, મોડી સાંજ કે રાત્રીનો સમય પસંદ કરતા હતા કે જ્યારે મજૂરો તેમના કારખાનાના કવાટરમાં સુતા હોય કે છતે સુતા હોય કે જાહેરમાં સુતા હોય અને બાજુમાં મોબાઈલ પડયો હોય તો તે મોબાઇલ લઈને ભાગી જતા હતા અથવા તો જો કોઈ મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હોય તો આવો મોબાઇલ પણ ઉપાડીને તેઓ ભાગી જતા હતા તેઓએ સરતાનપર રોડ પાસેના કોઈ કારખાનામાંથી લેપટોપની અને રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાની પણ કબુલાત આપી છે અને જો કોઈ જોઇ જાય કે પકડે તો પોતે ભીક્ષાવૃતી કરી રહ્યા છે. તેવું જણાતા આ પ્રકારે તેઓ ચોરી કરવાની ટેવ ધરાવતા હોય પોલીસે હાલ એક મોબાઇલ ચોર ગેંગને પકડી છે જેના આધારે એક બાઈક ચોરી, એક લેપટોપ ચોરી અને ૧૫ મોબાઇલ ચોરીનું ડીટેકશન થયેલ છે.
રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર