દરિયાઇ સુરક્ષા બાબતે મોરબી જિલ્લો વધુ સતર્કઃ જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટિની બેઠક યોજાઇ

દરિયાઇ સુરક્ષા અંગે વિચાર-વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી

મોરબી,
દરિયાઇ સુરક્ષાને સ્પર્શતા મુદ્દાઓની દેખરેખ, સંચાલન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટિની બેઠક યોજાઇ હતી.
કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં દર ત્રણ માસે યોજાતી ત્રિમાસીક બેઠકમાં દરિયાઇ સુરક્ષા અંગે વિચાર-વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લાના દરિયાઇ વિસ્તારમાં કાયદો અને સુરક્ષાની દ્રષ્ટિએ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લાના દરિયાઇ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દ્વારા સતત વોચ કરવામાં આવી રહી છે.
વધુમાં જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, નોંધાયેલા ૧૫૮ માછીમારોને સુરક્ષા વ્યવસ્થા અંગે યોગ્ય માહિતી મળી રહે તે માટે વ્હોટ્સએપ ગ્રુપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યોમથી સાંકળવામાં આવ્યા છે. માછીમારોને રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓ અંગે માહિતી તેમજ લાભો આપવા માટે પણ સતત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અગરિયાઓને પીવાનું પાણી, સોલર પેનલ તેમજ અન્ય જીવન જરૂરિયાત સામગ્રી સરળતાથી મળી રહે તે માટે પણ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા દરિયાઇ સીમા પર સાગર સુરક્ષા દળના જવાનો દ્વારા સતત ચેકીંગ કરવા અને સુરક્ષા બાબતે વિવિધ સુચનો કર્યા હતા.
દરિયાઇ સુરક્ષાને વધુ ચોક્કસ કરવા માટે આગામી સમયમાં દરિયાઇ સુરક્ષા અંગેની મોક ડ્રીલ યોજવા અંગે પણ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષી, હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંઘ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, ખાણ-ખનીજ વિભાગના યુ.કે. સિંઘ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, પોલીસ ઇન્સપેક્ટરશ્રી કોંઢીયા, એ.આર.ટી.ઓ. જે.કે. કાપટેલ, સ્ટેટ આઇ.બી. સેન્ટ્રલ આઇ.બી., નવલખી પોર્ટના પોર્ટ ઓફિસર, કસ્ટમ વિભાગ, ફીશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર, માળીયા મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment