હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં ખેડૂતોને ખેતીલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તેમજ સરકારી સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મળી રહે તે હેતુથી આગામી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે માનનીય વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ભિલડી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન ‘પીએમ કિસાન સમ્માન નિધિ’ યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદના APMC યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની ૨૦ બેઠકોને આવરી લેતાં ૪૦ ગામોમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ દરમિયાન ખેડૂતોને ખેતીલક્ષી લાભોનું વિતરણ, આધુનિક ખેતી પદ્ધતિઓ તથા સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી મેળવી તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
જિલ્લાના તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેતીલક્ષી યોજનાઓની માહિતી મેળવવા અને સરકારી સહાયનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી માટે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તલાટી કમ મંત્રી, ખેતી અધિકારી અથવા તાલુકા કક્ષાના અમલીકરણ અધિકારીનો સંપર્ક કરી શકશે.
