હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં ખેલકૂદ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગરૂકતા કેળવવાના આશયથી ‘DAUD 2.0 – છોટાઉદેપુર મેરેથોન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની જાહેરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા એ કવાંટ તાલુકાના કડીપાણી GMDC ખાતેથી કરી હતી .
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રમત-ગમત એ માત્ર શારીરિક સુદ્રઢતા માટે જ નહીં, પરંતુ એકતા અને સમુદાયની ભાવના મજબૂત કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે. એક જિલ્લો, એક ભાવના, એક મેરેથોન’ના સંકલ્પ સાથે આયોજિત આ મેરેથોન છોટાઉદેપુરના યુવાનો અને નાગરિકોમાં એક નવો ઉત્સાહ પૂરો પાડશે.
આગામી ૧૩ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ઇવેન્ટ બની રહેશે. આ દોડમાં તમામ વયજૂથના લોકો ભાગ લઈ શકે તે માટે મુખ્ય ૫ કેટેગરીઓ રાખવામાં આવી છે. જેમાં ૧ કિમી કિડ્સ રન (છોકરાઓ અને છોકરીઓ માટે), ૫ કિમી ફન રન (પુરુષ અને મહિલાઓ માટે), ૧૦કિમી ચેલેન્જ (પુરુષ અને મહિલાઓ માટે), ૨૧ કિમી હાફ મેરેથોન (પુરુષ અને મહિલાઓ માટે), ૪૨ કિમી ફુલ મેરેથોન (પુરુષ અને મહિલાઓ માટે) આયોજન કરાયું છે.
‘DAUD 2.0 – છોટાઉદેપુર મેરેથોન’ આગામી દિવસોમાં વિવિધ ઇવેન્ટોનું પણ આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લાશ્રી કલેક્ટર ગાર્ગી જૈન, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
