હિન્દ ન્યુઝ, વલસાડ
ગુજરાતના નિયત કરેલા કુલ ૧૨ જિલ્લા અને બે કોર્પોરેશનના તમામ તાલુકાઓમાં તા.૦૮/૦૬/૨૬ થી રક્તપિત દર્દી શોધ અભિયાનનો પ્રારંભ કરાયો છે, જે તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ચાલશે. આ દિવસો દરમ્યાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન (LCDC) હાથ થનાર છે તેમાં વલસાડ જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે.
૧૪ દિવસનાં આ અભિયાન દરમ્યાન આશાની ટીમ ઘર-ઘર જઇને ઘરના દરેક સભ્યોની રક્તપિત્ત રોગ માટે તપાસ કરશે. સૌના સહકારથી જ સૌ રક્તપિત્ત રોગને ચોક્કસપણે શીતળા અને પોલીયો રોગની જેમ નાબૂદ કરી શકાશે. આરોગ્ય કર્મચારીને સહકાર આપી આ અભિયાનની સફળતાના ભાગીદાર બનશો. ગત વર્ષે ૨૦૨૫-૨૬ LCDC દરમ્યાન કુલ ૨૦૦ નવા દર્દી શોધવામાં સફળતા મળી હતી. હાલ વલસાડ જિલ્લામાં રક્તપિત્ત રોગનું પ્રમાણદર દર ૧૦ હજાર વસ્તી દીઠ ૧.૦૧ નોંધાયેલું છે. વધુ માહિતી માટે જિલ્લા રક્તપિત્ત કચેરી, સિવિલ હોસ્પિટલ કેમ્પસ. વલસાડનો ફોન નં.- ૦૨૬૩૨- ૨૪૩૭૧૦ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
રકત્તપિત્ત રોગના ચિહ્નો અને લક્ષણો જોઈએ તો, (૧) શરીર પર આછા, ઝાંખા, રતાશ પડતા બહેરાશવાળા ડાઘા અને (૨) જ્ઞાનતંતુઓ જાડા થાય તેમજ તેમાં દુ:ખાવો પણ થઈ શકે. રક્તપિત્ત જીવાણુઓથી થતો રોગ છે અને આધુનિક સારવાર એમ.ડી.ટી.થી સંપૂર્ણ મટી શકે છે. વહેલું નિદાન, નિયમિત, સમયસરની પુરતા સમયની સારવારથી રક્તપિત્ત સંપૂર્ણ મટી શકે છે. અને વિકૃત્તિ અટકાવી શકાય છે. ઉપરોક્ત ચિહ્નો – લક્ષણો જણાય તો આપના ઘરે આવનાર આરોગ્ય કર્મચારી (સ્ત્રી –પુરૂષ) પાસે અવશ્ય ચામડીની તપાસ કરાવો. રક્તપિત્તનું નિદાન તથા સારવાર દરેક સરકારી દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે દરરોજ વિના મૂલ્યે કરવામાં આવે છે.
