હિન્દ ન્યુઝ, વડોદરા
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ નિયામક કચેરી હસ્તકની મદદનીશ રોજગાર નિયામકની કચેરી, વડોદરા દ્વારા આજે એક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના તરસાલી સ્થિત આઈ.ટી.આઈ. કેમ્પસમાં આવેલા આઈ.ટી.સી. બિલ્ડિંગના પ્રથમ માળે સવારે ૧૦:૦૦ વાગ્યાથી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, સેલ્સ અને ઇન્સ્યોરન્સ સેક્ટરની પ્રતિષ્ઠિત ૮ સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કંપનીઓ દ્વારા ઓપરેટર, ટેકનિશિયન, રિલેશનશિપ ઓફિસર, સેન્ટર એસોસિએટ અને ટ્રેઇની જેવી વિવિધ સંવર્ગની કુલ ૧૪૦ જગ્યાઓ માટે આઇટીઆઇ કેમ્પસ ખાતે જ સીધા ઇન્ટરવ્યુનું આયોજન કરાયું હતું. જેમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા અંદાજે ૧૧૦ જેટલા ઉત્સાહી ઉમેદવારોના રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ પ્રાથમિક પસંદગી પ્રક્રિયાના અંતે લાયકાત ધરાવતા ૨૩ ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરી તેમને માસિક રૂ. ૧૬,૦૦૦/- થી રૂ. ૨૨,૦૦૦/- સુધીના આકર્ષક પગાર ધોરણની રોજગારી ઓફર કરવામાં આવી હતી.
ભરતી મેળાના સંચાલન અંગે વિગત આપતા મદદનીશ રોજગાર નિયામક શ્રી અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, કચેરીનો ઉદ્દેશ્ય માત્ર રોજગાર પૂરો પાડવાનો જ નથી, પરંતુ યુવાનોને કારકિર્દીના સાચા માર્ગે વાળવાનો પણ છે. આ પ્રસંગે કચેરીના તજજ્ઞ કાઉન્સેલર દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને રોજગારીની તકો ઉપરાંત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને રોજગાર મેળવવા ઈચ્છતા યુવાનો માટે ‘સેફ લીગલ માઈગ્રેશન’ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, પીએમ ઇન્ટર્નશિપ યોજના, લશ્કરી ભરતી પૂર્વેની ૩૦ દિવસની નિઃશુલ્ક નિવાસી તાલીમ યોજના, ફ્રી વોકેશનલ તાલીમ યોજના તેમજ સ્વરોજગાર અને સ્ટાર્ટ-અપ લોન સહાય યોજનાઓ વિશે યુવાનોને અવગત કરાયા હતા. આ મેળામાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના સહયોગથી મહિલા અને બાળકોના કલ્યાણ માટે ચાલતી સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રોજગારવાંચ્છુ યુવાનો ડિજિટલ પ્લેટફોર્મનો મહત્તમ લાભ લઈ શકે તે માટે ભરતી મેળાના સ્થળે જ ગુજરાત સરકારના ‘અનુબંધમ ઓનલાઈન જોબ પોર્ટલ’ તેમજ ભારત સરકારના ‘નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ’ પર ઓનલાઇન નામ નોંધણી માટેનો ખાસ વિશેષ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ પોતાની નોંધણી કરાવી હતી.
