હિન્દ ન્યુઝ, ડાંગ
આગામી તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય મહોત્સવના અનુસંધાને ડાંગ જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી વિવિધ જનકલ્યાણકારી અને રાષ્ટ્રભાવના પ્રેરક કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે વડાપ્રધાનશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પીએમ કિસાન ઉત્સવ’ યોજાનાર છે. આ કાર્યક્રમના ઉપલક્ષ્યમાં ડાંગ જિલ્લા પંચાયતની તમામ ૧૮ બેઠકો પૈકી પ્રત્યેક બેઠક દીઠ બે-બે કાર્યક્રમોનું આયોજન હાથ ધરાશે. આ ઉપરાંત, તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે યોજાનાર મુખ્ય સમારોહની સાથે ડાંગ જિલ્લાના તમામ ૩૧૧ ગામોમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત અધિકારીઓને કાર્યક્રમોનું સમયબદ્ધ, સુવ્યવસ્થિત અને જનભાગીદારી સાથે આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, પ્રાથમિક આરોગ્ય સારવાર, અવિરત વીજ પુરવઠો, મંડપ તેમજ મુખ્ય કાર્યક્રમોના જીવંત પ્રસારણ માટે નેટવર્ક કનેક્ટિવિટી જેવી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ અગાઉથી જ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.તબીયાર, પ્રાયોજના વહીવટદાર ડો. મયુર પરમાર, પ્રાંત અધિકારી યુ.વી.પટેલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
