GSRTCમાં કંડકટર ભરતી સંદર્ભે વલસાડ રેડ ક્રોસ દ્વારા તા. ૧૦ જૂનથી પ્રાથમિક સારવાર તાલીમના વર્ગો શરૂ કરાશે

હિન્દ ન્યુઝ, વલસાડ

     ગુજરાત રાજ્યમાં હાલમાં એસટી નિગમ દ્વારા કંડકટરની ભરતી પ્રક્રિયા હાથ ધરાનાર છે, જે અંતર્ગત ફર્સ્ટ એઈડ ટ્રેઈનિંગનું સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે. વલસાડ જિલ્લામાંથી ઘણા યુવાનો-યુવતીઓ કંડકટર તરીકે નોકરી માટે ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ દ્વારા તા. ૧૦ જૂન બુધવારથી ટ્રેનિંગ ક્લાસ શરૂ કરવામાં આવનાર છે.

 એસટી નિગમમાં કંડકટરની ભરતી માટે જે પણ ઈચ્છુક વ્યક્તિએ ફર્સ્ટ એઈડની તાલીમ લેવી હોય તો તેમણે રેડ ક્રોસ, વલસાડ રક્તદાન કેન્દ્ર, કચેરી રોડ, વલસાડ ખાતે શ્રીમતી ઝીલ દેસાઈનો મો.નં. ૭૯૯૦૦ ૭૩૭૬૮ પર સવારે રૂબરૂ ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં સંપર્ક કરવા વિનંતી. ઉમેદવારોની સંખ્યા સતત વધી રહી હોય, વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવશે તેમજ આ ટ્રેનિંગ તારીખ ૧૦ મી થી ૮ દિવસ સુધી બપોરે ૧ થી ૩ ની વચ્ચે આપવામાં આવશે. જો બેચ ફુલ થઈ જશે તો બીજા વધારાના બેચ તારીખ ૨૫ મી જુન સુધી ચલાવવામાં આવશે. 

નેશનલ હેડક્વાર્ટર્સના નિયમ અનુસાર, તાલીમ સુચારુ રીતે થાય અને તાલીમાર્થીઓને મૂળ પ્રમાણપત્ર મેળવવામાં કોઈ અવરોધ ન આવે તે માટે આ ટ્રેનિગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિરની ફી રૂ. ૧૦૦૦/- છે. સાથે બે ફોટા, ધોરણ ૧૨ પાસના સર્ટિફિકેટ/માર્કશીટની કોપી અને આધારકાર્ડ લાવવાનો રહેશે એવુ ડો. યઝદી ઇટાલીઆ, માનદ મંત્રી, રેડ ક્રોસ, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Related posts

Leave a Comment