એસ.એસ.સી. અને એચ.એસ.સી. પૂરક પરીક્ષાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

   જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને એસ.એસ.સી. અને એચ.એસ.સી. પૂરક પરીક્ષાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અન્વયે એસ.એસ.સી. અને એચ.એસ.સી. પૂરક પરીક્ષા યોજવા જઇ રહી છે. તા.૧૧/૦૬/૨૦૨૬ થી ૨૦/૦૬/૨૦૨૬ સુધી વિવિધ વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. આ ઉપરાંત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત પ્રથમા, સંસ્કૃત મધ્યમાના ઉતીર્ણ અને અનુતીર્ણ અને પરીક્ષામાં બેસવાપાત્ર ઉમેદવારોની પૂરક પરીક્ષા યોજાશે. 

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ પરીક્ષા દરમિયાન પૂરતો વીજળી પુરવઠો જળવાઈ રહે, સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સતત મોનિટરિંગ તથા રેકોર્ડીંગ, પરીક્ષા કેન્દ્રો પર મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતની આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ રહે ઉપરાંત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે રસ્તામાં કોઈ અગવડ ન પડે, સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત અને અવર જવર માટેના વાહનો સહિતના મુદ્દે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

 આ પૂરક પરીક્ષા સવારે ૧૧:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી પરીક્ષા યોજાશે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન અનુસાર ઑબ્ઝર્વર અને સ્કવોર્ડની નિમણુંક કરવામાં આવી છે. તેમજ હેલ્પલાઈન સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે. 

આ સમગ્ર પૂરક પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવ્યો છે. આ તમામ પ્રશ્નપત્રોનું સ્ટ્રોંગરૂમમાં સતત મોનીટરીંગ થઈ રહ્યું છે. આમ, પૂરક પરીક્ષા સંદર્ભે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ સમીક્ષા બેઠકમાં પૂરક પરીક્ષા સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment