હિન્દ ન્યુઝ, જૂનાગઢ
સમગ્ર રાજય અને જૂનાગઢ જિલ્લામાં તા.૦૮ જુનથી તા.૧૮ જુન સુધી જાહેર રજા અને મમતા દિવસ બાદ કરીણે કુલ દિવસ ૦૭ સુધી લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પઈન હાથ ધરવામાં આવશે. જેમાં “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને કોઈ પણ રક્તપિત્તગ્રસ્ત દર્દી વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ.” તે થીમ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે.
આ લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પઈન-૨૦૨૬ અંતર્ગત બધા તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ ઓફિસરઓ, સુપરવાઇઝર, આશા બહેનોની ઓનલાઈન મીટીંગ આયોજિત કરાઇ હતી. જેમાં અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને બધા કમિટીના સભ્યોની મીટીંગ રાખવામાં આવેલ.
આ લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પઈન દરમિયાન સંદેશા વ્યવહારની અલગ અલગ રીતો જેમ કે રેલી, પોસ્ટર, બેનર, શાળાકીય પ્રવૃતિઓ, ટોક શો, વગેરે વિશે ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકમાં ચર્ચા તથા આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાત દરમિયાન રૂબરૂ લોકજાગૃતિ કરવામાં આવી હતી. આ તમામ કામગીરીનો સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
આ લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પઈન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકા અને જૂનાગઢ શહેર એમ કુલ વસ્તી ૧,૦૯,૨૬૧, કુલ ગામ ૧૨૩, કુલ ટીમ ૨૬૯, કુલ વોલેન્ટીયર ૨૬૯ આ રીતે સહુ સાથે મળીને સર્વે કરવામાં આવશે. રક્તપિતના નવા દર્દીઓ શોધાય અને વહેલું નિદાન થાય અને વહેલી તકે ટેનોને સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તો જ આપણે આ રક્તપિતથી આવતી વિકૃતિ અટકાવી શકવામાં સક્ષમ બનીશું.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રો અને તાલુકા કક્ષાએ અલગ-અલગ આઈ.ઇ.સી. એક્ટીવીટી કરવામાં આવી હતી. આ સાત દિવસ સુધી ચાલનારા અભિયાન દરમિયાન તથા વિલેજ હેલ્થ સેનીટેશન એન્ડ ન્યુટ્રીશન કમિટીની બેઠકો કરવામાં આવેલ. જેમાં રક્તપિત્તના દર્દી પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામાં આવે તેમજ તેની સાથે કોઇ ભેદભાવ ના થાય તે ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો/
આ અભિયાનને સફળ બનાવવા માટે લોકોની સહભાગીદારી માટે જિલ્લા રક્તપિત્ત અધિકારી, જૂનાગઢ દ્વારા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે. રક્તપિતના લક્ષણો જોઈએ તો ચામડી પર આછા રંગનું ચાઠું હોય અને તેના પર સંવેદનાનો અભાવ હોય તો રક્તપિત્ત હોય શકે છે. તે માટે તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. તેનું નિદાન અને સારવાર તદ્દન મફત છે. વહેલા નિદાનથી હાથ, પગ કે આંખોની વિકૃતિ અટકાવી શકાય છે. ઉપરોક્ત સારવારનો સમયગાળો ૬ થી ૧૨ માસનો છે. જો પગમાં સંવેદનાનો અભાવ હોય તો માઇક્રોસેલ્યુલર રબર શૂઝ દર્દીને આપવામાં આવશે. ચાંદા પડેલ હોય તો અલ્સરકીટ વિનામુલ્યે આપવામાં આવશે.
વિકૃતિની શરૂઆત હોય તો મફત ઓપરેશન કરાવી આપવામાં આવશે. આ રોગ કોઈ પાપનું પરિણામ, કોઈ બુરી નજર કે કોઈ ગ્રહપીડાના લીધે નથી, પણ બેક્ટેરિયાથી થતો ધીમો ચેપી રોગ છે. જે ચામડી અને બહારની ચેતાઓ પર અસર કરે છે. આવા રક્તપિત ગ્રસ્ત દર્દીઓ પ્રત્યે સંવેદનાભર્યું વર્તન અને તેઓ સારી રીતે જીવન નિવૉહ કરી શકે તે માટે તેમને યથાયોગ્ય મદદ કરવી જોઈએ. રક્તપિત્તમુક્ત સમાજના નિર્માણમાં તમારો સહયોગ મળી રહે તે અપેક્ષિત છે. રકતપિત્તનું નિદાન અને સારવાર જૂનાગઢ જિલ્લામાં આવેલા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી શકાય છે. તેમ જિલ્લા રક્તપિત્ત અધિકારી, જિલ્લા ક્ષય કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
