વલસાડ જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી પાકોના પ્લાન્ટિંગ મટીરીયલ્સની ખરીદી પર ૭૫% સુધીની સહાય યોજના

હિન્દ ન્યુઝ, વલસાડ 

        બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા “બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટિંગ મટીરિયલ્સ પર એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ” અમલમાં મૂકવામાં આવ્યો છે. નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી હસ્તકના સેન્ટર ઓફ એક્સેલન્સ અને ફળ નર્સરી ખાતેથી બાગાયતી પાકોની કલમ, બાટા, રોપા, ધરૂ અથવા અન્ય પ્લાન્ટિંગ મટીરિયલ્સની ખરીદી કરવા પર ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના ૭૫ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૭,૫૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

        આ સહાયનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે, ચણવઈ-રાબડા રોડ, ચણવઈ, તા. વલસાડ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ (મો. ૯૨૭૪૬૮૦૫૬૮) અને ફળ નર્સરી (મો. ૯૦૩૩૮૪૮૦૧૦) અથવા સ્ટેશન રોડ, તા. પારડી ખાતે આવેલ ફળ નર્સરી (મો. ૮૧૪૧૪૦૨૭૭૯) પરથી અરજીપત્રક મેળવવાનું રહેશે. અરજીપત્રક ભરીને તેની સાથે ગામ નમૂના નં. ૮-અ, ૭ અને ૧૨ ની અસલ નકલ, આધારકાર્ડની નકલ, અનુસૂચિત જાતિ/જનજાતિના પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો) તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) જેવા જરૂરી આધારો રજૂ કરવાના રહેશે.

       યોજના અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ખેડૂતોએ જિલ્લા બાગાયત કચેરી અથવા નજીકના સેન્ટર ઓફ એક્સેલન્સ કે ફળ નર્સરી ખાતે સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, વલસાડ દ્વારા અખબારી યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment