છોટાઉદેપુરમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોટાઉદેપુર ખાતે RSETI-બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ જાતના ઉપયોગી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને ઉપસ્થિત સૌ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

      RSETI-બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના નિયામક શ્રી સુધાંશુ મોહને જણાવ્યું હતું કે, “પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવામાં વૃક્ષો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. વર્તમાન સમયમાં વધતા જતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાન જેવી ગંભીર વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું એ આજના સમયની મુખ્ય માંગ છે.” 

    આ વિશેષ આયોજનમાં સંસ્થા ખાતે બ્યુટી પાર્લરની તાલીમ લઈ રહેલી તાલીમાર્થી બહેનો, મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ તેમજ RSETI/BSVS છોટાઉદેપુરના સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના સમાપનમાં ઉપસ્થિત સૌ કોઈએ પર્યાવરણને હરિયાળું રાખવા અને પ્રકૃતિના જતન માટે હૃદયપૂર્વક દ્રઢ સંકલ્પ લીધો હતો.

Related posts

Leave a Comment