ગીર સોમનાથ જિલ્લામાં ‘તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર’ અભિયાનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ તથા ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે જિલ્લામાં વ્યસનમુક્તિ અંગે નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પાનના ગલ્લા તથા જાહેર સ્થળો પર તેમજ સરકારી કચેરીઓ ખાતે “તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર” લગાડવાનું અભિયાન શરૂ કરાયું છે.

વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા તથા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન અંતર્ગત વેરાવળ શહેરી વિસ્તારમાં પાનના ગલ્લાઓ અને તમાકુ વેચાણ સ્થળોએ તથા જાહેર જગ્યાઓએ તેમજ સરકારી કચેરીઓ ખાતે “તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર” લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

 આ મિરરનો મુખ્ય હેતુ નાગરિકોને પોતાના તમાકુ સેવન વ્યસન અંગે આત્મચિંતન કરવા પ્રેરિત કરવાનો છે. મિરર પર દર્શાવાયેલા સરળ પ્રશ્નો અને સંદેશાઓ દ્વારા વ્યક્તિ પોતે જ પોતાનું મૂલ્યાંકન કરી શકે છે. આ પહેલ દ્વારા સંદેશ અપાયો છે કે, “અરીસામાં ચહેરો જુઓ, અને પોતાને પૂછો – શું તમાકુ ખરેખર મારી જરૂરિયાત છે કે માત્ર વ્યસન?”

જનજાગૃતિ અને આરોગ્ય પ્રત્યેની સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા પંચાયત ઈણાજ ખાતેથી તમાકુ વ્યસન વિરોધી સેલ્ફ-એસેસમેન્ટ મિરર લગાવીને પ્રારંભ કરાયો છે. ઉપરાંત બસ સ્ટેશન ખાતે સોશ્યિલ વર્કર દિપ્તી વ્યાસ તથા ટીમ દ્વારા જાગૃતી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 

આ અભિયાનમાં ઈન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના શ્રી શશાંક પરીખના માર્ગદર્શન હેઠળ સી.એસ.આર હેડ શ્રદ્ધા મહેતા તથા તેમની ટીમ દ્વારા પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાને તમાકુ મુક્ત તથા વ્યસન મુક્ત બનાવવા આ પહેલ અસરકારક સાબિત થશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ગોસ્વામી દ્વારા પાનના ગલ્લા સંચાલકો, વેપારીઓ અને નાગરિકોને આ જનહિતના પ્રયાસમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment