હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનો ધ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને કરવામાં આવતા વિતરણ સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નવસારી તથા કુલ ૯ જિલ્લા/તાલુકા કક્ષાની પુરવઠા ટીમ ધ્વારા આંતર તાલુકાની ટીમોની રચના કરી કુલ ૯ વાજબી ભાવની દુકાનો પર તા.૦૨/૦૬/૨૦૨૬ નાં રોજ આકસ્મિક રેડ કરવામાં આવેલ. જે રેડ દરમ્યાન
(૧) ચીખલી તાલુકાની ઘોડવણી ગામની વાજબી ભાવની દુકાન પર ઘઉંમાં ૧૩૦૦ કિગ્રા, ચોખામાં ૪૮૯ કિગ્રા, ચણામાં ૭૮ કિગ્રા ઘટ જણાયેલ
(૨) નવસારી (શહેર) તાલુકામાં પાંચ હાટડી ખાતે આવેલ વાજબી ભાવની દુકાન પર ઘઉંમાં ૨૮૨૧ કિગ્રા, ચોખામાં ૩૦૩૫ કિગ્રા, ખાંડમાં ૧૮૮.૧૬૫, તુવેર દાળમાં ૫૯ કિગ્રા ઘટ તથા મીઠુંમાં ૮૪૪ કિગ્રા વધ તથા ચણામાં ૧૭૧ કિગ્રા વધ જણાયેલ.
(૩) વાંસદા તાલુકામાં સીતાપુર ગામની વાજબી ભાવની દુકાનમાં ઘઉંમાં ૪૭૮ કિગ્રા, ચોખામાં ૨૨૫ કિગ્રા ઘટ જણાયેલ.
(૪) ખેરગામ તાલુકામાં કાકડવેરી ગામની વાજબી ભાવની દુકાનમાં ઘઉંમાં ૨૫ કિગ્રા, ચોખામાં ૪૩ કિગ્રા ઘટ જણાયેલ છે.
તે ઉપરાંત અન્ય તાલુકામાં પણ વાજબી ભાવની દુકાન ધ્વારા રાખવાની થતી અન્ય તકેદારી બાબતે અમલવારી થતી ન હોવાનું જણાયેલ છે. જે બાબતને ખુબ જ ગંભીરતાથી લઇ સંબંધિત વાજબી ભાવની દુકાનના સંચાલકો વિરુધ્ધ નોટીસ કાઢવામાં આવેલ છે ત્યારબાદ તેઓ સામે નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એમ જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે.
