‘ઝીરો બજેટ’ પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક ૭૦ થી ૮૦ હજાર રૂ.આવક મેળવતા – ધરતીપુત્ર વિપિનભાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

     આધુનિક સમયમાં વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ થવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતા જમીન બંજર બનવા લાગી છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના દેવલીયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિપિનભાઈ રાઠવાએ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં જોડાઈને પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનું નવું સોપાન સર કર્યું છે.

ધરતીપુત્ર વિપિનભાઈ તેમના સાથેની મુલાકતમાં પ્રાકૃતિક કૃષિ કેવી રીતે અપનાવી તેની રસપ્રદ વાત કરતા કહ્યું કે, અગાઉ જ્યારે અમે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે અમારી જમીન કડક અને સફેદ થઈ ગઈ હતી, મારા મિત્ર મને પ્રાકૃતિક કૃષિ કરવા સમજાવ્યુ હતું. ત્યાર બાદ મે ‘આત્મા પ્રોજેક્ટ’ સાથે જોડાઈને તાલીમ મેળવી પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી જમીનને ફરી જીવંત બનાવી છે.મારી ૪ એકર જમીનમાંથી શરૂઆતમાંથી ૧ એકરમાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. શરૂઆતના એક-બે વર્ષ ઉત્પાદન ઓછું થયુ પરંતુ ત્રીજા વર્ષે ઉત્પાદન સારુ થયું.  

પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અંગે ખેડૂત વિપિનભાઈ જણાવે છે કે તેઓ ખેતરમાં ઘનજીવામૃત અને પિયત સાથે જીવામૃતનો ઉપયોગ કરે છે. અગાઉ રાસાયણિક દવાઓ અને ખાતરના મોંઘા ખર્ચને કારણે ખેતીમાં બચત થતી ન હતી, પરંતુ હવે ‘ઝીરો બજેટ’ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી તેઓ વાર્ષિક ૭૦ થી ૮૦ હજાર રૂપિયાની આવક થઈ રહી છે. 

હાલમાં જ મે ૩ એકરમાં મકાઈનું વાવેતર કરીને ૬૦ થી ૭૦ મણનું ઉત્પાદન મેળવ્યું છે, જ્યારે ૧ એકરમાં વાવેલા મગ અને અડદના પાકમાં પણ ૧૦ મણ જેટલું ઉત્પાદન મળવાની આશા છે. 

વિપિનભાઈ અન્ય ખેડૂતોને પણ ખાસ સંદેશ આપે છે કે કેમિકલયુક્ત ખેતી આપણને કેન્સર જેવી ગંભીર બીમારીઓ તરફ ધકેલી રહી છે, તેથી જમીન અને આવનારી પેઢીને બચાવવા માટે આપણે સૌએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.

Related posts

Leave a Comment