હિન્દ ન્યુઝ, ધરમપુર
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ તા. ૧ જૂનના રોજ વલસાડ જિલ્લાની સ્થાપનાને ૬૨ વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિત્તે તેમજ તા. ૨૧મી જૂનના રોજ ૧૨માં વિશ્વ યોગ દિવસના પ્રચાર પ્રસાર અર્થે ધરમપુરના વિમળેશ્વર મહાદેવ મંદિર ખાતે રાધા મહિલા મંડળના પ્રમુખશ્રી હેમાબેન મેરાઇ તથા ઉપપ્રમુખશ્રી દક્ષાબેન કાપડિયાની ઉપસ્થિતિમાં યોગ એટલે શું, યોગ કેમ કરવા, તેની મહત્તા અને તા. ૨૧ મી જૂને જ કેમ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે તે સંબંધિત વિસ્તૃત પરીસંવાદ હોમિયોપેથીક મેડિકલ ઓફિસર, ધરમપુર દ્વારા કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના તિસ્કરી તલાટના યોગ પ્રશિક્ષક શિવમ ગુપ્તાએ યોગ પ્રોટોકોલ અંતર્ગત યોગના લાભાલાભ વિશે તન, મન અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને વિશ્વ શાંતિ માટે સૌને સાથે લઈને આસન પર બેસી યોગ પ્રાણાયામ અપનાવી તંદુરસ્ત સમાજની રચના કરવા બાબત વ્યાખ્યાન આપ્યું હતું.
યોગ શિબિર અંતર્ગત પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સેવક તરીકે ભાવેશ ભૂસારાએ સેવા આપી હતી. સૌને કેરીના જ્યુસની બોટલ આપવામાં આવી હતી. બહોળી સંખ્યામાં રાધા મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહી વલસાડ સ્થાપના દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.
