રાજકોટ,
તા.૨૫.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગત સવારથી મેઘરાજા બેફામ વરસી રહ્યા છે. ગત આખી રાત પણ ધમધોકાર વરસાદને લીધે શહેર આખું પાણી પાણી થઇ ગયુ છે. ઉપરવાસમાં ખુબ સારો વરસાદ પડ્યો હોવાને લીધે રાજકોટની માધ્યમથી પસાર થતી આજીનદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીકાંઠાના વિસ્તારોમાં ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા ૨ દિવસથી સતત સલામત સ્થળે ખસી જવા એલાઉન્સ કરવામાં આવ્યું હોવા છતાં જંગલેશ્વર, ભવાનીનગર, રામનાથપરા, ભગવતીપરા, રૂખડિયાપરા સહિતના નદીકાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે ગત મોડી રાતથી ફાયરબ્રિગેડની ટિમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ૧૭૭૦ લોકોને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું અને કોઈ લોકો ફસાયા નહિ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. સલામત સ્થળે ખસેડાયેલા લોકોની જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર,રાજકોટ