હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ASPEE ઓડિટોરિયમ ખાતે આજે ICAR-CIBA, ચેન્નાઈ તથા ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે “ઝીંગા કિસાન સંમેલન (Shrimp Farmers Conclave – SFC) – ૭ મી આવૃત્તિ” કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ઝીંગા કિસાન સંમેલન દરમિયાન “Aquatic Referral Labs for Quality Testing and Disease Diagnostics” માટેના ખાતમુહૂર્ત તથા ગુજરાતના દરિયાકાંઠે “Super-Intensive Precision and Natural Shrimp Farming (SIPNSF)” પ્રદર્શન પ્રકલ્પના પ્રારંભનો વિધિવત કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત “Atlas of Potential Brackishwater Aquaculture Zones in Gujarat (Part-1)” નું વિમોચન તેમજ લાભાર્થીઓને સબસિડી ચેકનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઈ.સી.એ.આર.-સીબા, ચેન્નાઈ, નવસારી કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર વચ્ચે મત્સ્યઉદ્યોગના વિકાસ માટે એમ.ઓ.યુ. (MoU) કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા ગુજરાતમાં ઝીંગા ઉત્પાદન અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે રહેલી વિશાળ સંભાવનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો વિશાળ દરિયાકિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં આધુનિક એક્વાકલ્ચર વિકાસ, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, રોગ નિયંત્રણ અને વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત ખેતી માટે વિવિધ ટેકનિકલ પહેલો હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે માછીમારો અને ઝીંગા ઉત્પાદકોને સીધો લાભ મળી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના દરિયાકાંઠે વસતા લોકો માટે મત્સ્યોદ્યોગ રોજગારી અને આવકનું મજબૂત સાધન બની રહ્યું છે. સરકાર દ્વારા ખેડૂતો અને માછીમારોને આધુનિક સાધનો, તાલીમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી વધુમાં વધુ લોકો મત્સ્યોદ્યોગ સાથે જોડાઈ આત્મનિર્ભર બની શકે. તેમણે વૈજ્ઞાનિક અભિગમ, ગુણવત્તા નિયંત્રણ અને આધુનિક ટેકનોલોજી આધારિત મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાત દેશના અગ્રણી ઝીંગા અને એક્વાકલ્ચર ઉત્પાદક રાજ્યોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરશે અને નિકાસક્ષમ ઉત્પાદન વધવાથી રાજ્યની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા દરિયાકાંઠા વિસ્તારના લોકોના જીવનસ્તરમાં સકારાત્મક પરિવર્તન આવશે.
અંતમાં તેમણે નવસારી જિલ્લામાં ચાલી રહેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોની પ્રશંસા કરી હતી અને આ ક્ષેત્રે જિલ્લાને વધુ આગળ લાવવા માટે જનભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે વરસાદી પાણીના સંચય અને યોગ્ય ઉપયોગથી જળસંચય મજબૂત બને છે, જે કૃષિ, પીવાના પાણીની ઉપલબ્ધતા તથા પર્યાવરણ સંતુલન માટે અત્યંત લાભદાયી છે. આ માટે સરકારી પ્રયાસો સાથે નાગરિકો, સંસ્થાઓ અને સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવી તેમણે નવસારી જિલ્લાને રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે રાજ્યમાં અગ્રણી બનાવવા સૌને એકસાથે આગળ આવવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગના કમિશનર વિજય ખરાડી દ્વારા ICAR-CIBA, ચેન્નાઈ તથા ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સ તેમજ આધુનિક પહેલોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે આ પહેલોના માધ્યમથી રાજ્યમાં ઝીંગા ઉત્પાદન, એક્વાકલ્ચર વિકાસ અને માછીમારોના આર્થિક સશક્તિકરણ માટે સર્જાઈ રહેલી નવી તકો અંગે પ્રકાશ પાડ્યો હતો.
આઈ.સી.એ.આર., નવી દિલ્હી ના ઉપ મહાનિદેશક (મત્સ્ય વિજ્ઞાન) ડૉ. જોયકૃષ્ણા જેના તથા નિષ્ણાતોએ આધુનિક ઝીંગા ખેતી, ગુણવત્તા પરીક્ષણ, રોગનિદાન વ્યવસ્થા અને કુદરતી પદ્ધતિ આધારિત એક્વાકલ્ચરના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં બ્રેકિશવોટર એક્વાકલ્ચરના વિકાસ માટે સંશોધન આધારિત નવી પહેલો રાજ્યના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ઝીંગા કિસાન સંમેલન કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈ, નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, કામધેનુ યુનિવર્સિટી કુલપતિ ડૉ. પ્રફુલ એચ. ટાંક, નવસારી કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડૉ. તિમુર અહલાવત, ICAR નિર્દેશક ડૉ. કુલદીપ કે. લાલ, ગુજરાત એક્વાકલ્ચર એસોસિયેશન પ્રતિનિધિ જિગ્નેશ કોન્ટ્રાક્ટર સહિત કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, પ્રગતિશીલ ઝીંગા ઉત્પાદક ખેડૂતો તેમજ સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
