અપરાજીતા ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય સેમિનાર, સમર કેમ્પ અને તાલીમ કાર્યક્રમો યોજાશે.

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

       જૂનાગઢ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી ICDS વિભાગ, જૂનાગઢ અને અપરાજીતા ફાઉન્ડેશન (મદુરાઈ, તમિલનાડુ) વચ્ચે મહત્વપૂર્ણ બિન-નાણાકીય સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે.

આ સમજૂતી કરાર પર ICDS જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી વત્સલાબેન દવે એ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સહયોગ દ્વારા જિલ્લાની કિશોરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવાની શક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ મદદ મળશે.

આ ભાગીદારી અંતર્ગત અપરાજીતા ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય સેમિનાર, સમર કેમ્પ અને તાલીમ કાર્યક્રમો યોજાશે. સમગ્ર પ્રોજેક્ટ બિન-નાણાકીય ધોરણે અમલમાં મુકવામાં આવશે અને તેનો ખર્ચ ફાઉન્ડેશન તેમના CSR ફંડમાંથી વહન કરશે.

‘ટિમ ટિમ તારાં’ કાર્યક્રમ હેઠળ UNICEF અને WHO દ્વારા સૂચિત ૧૦ મુખ્ય જીવન કૌશલ્યો અંગે તાલીમ આપવામાં આવશે. જેમાં નિર્ણય લેવાની ક્ષમતા, સમસ્યાના ઉકેલ, રચનાત્મક વિચારધારા, લાગણીઓ અને તણાવનું સંચાલન, આત્મજાગૃતિ, સહાનુભૂતિ, અસરકારક સંવાદ અને વ્યક્તિગત કૌશલ્યોનો સમાવેશ થાય છે.

આ તાલીમ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો, રમતો અને વાર્તાઓ દ્વારા આપવામાં આવશે, જે કિશોરીઓમાં નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ માટે સહાયક બનશે.

આ તકે અપરાજિતા ફાઉન્ડેશનના ગ્લોબલ ડાયરેક્ટર શ્રીમતી રોનમ કૌશિક અને મિહિર શુક્લ (સ્ટેટ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર) દ્વારા જણાવ્યું હતું કેગુજરાતમાં અપરાજિતા ફાઉન્ડેશન ૫૪૦૦૦ થી વધુ શાળાઓ અને ૭૮ લાખથી વધુ વિધાર્થીઓ સાથે જીવન કૌશલ્ય પર કામગીરી કરી રહ્યું છે.

અપરાજીતા ફાઉન્ડેશન, અપરાજીતા કોર્પોરેટ સર્વિસીઝ પ્રા. લિ.ની CSR પહેલ છે અને ગુજરાતમાં વર્ષ ૨૦૧૨થી સફળતાપૂર્વક કાર્યરત છે. પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ દ્વારા જૂનાગઢની કિશોરીઓને નવી દિશા આપવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment