હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂત મિલનભાઈ રાવલે સામાન્ય ખેતી કરતા ખેડૂતોથી અલગ માર્ગ અપનાવીને તેમણે પોતાના ખેતરમાં ઈઝરાયલના લીલા અંજીરની સફળ ખેતી કરી, જે આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે. માત્ર ૯ મહિનાના ટૂંકા ગાળામાં જ ફળ ઉત્પાદન શરૂ કરીને તેમણે સાબિત કરી દીધું છે કે સંકલ્પ અને ટેક્નોલોજીથી રણને પણ બગીચો બનાવી શકાય છે.
મિલનભાઈએ ૨૦ વીઘા જમીનમાં ૮૦૦૦ રોપાઓનું વાવેતર કર્યું છે. પાકને જીવાત અને હવામાનની વિપરીત અસરોથી બચાવવા માટે તેમણે ઇન્સેક્ટ પ્રૂફ જાળીથી નેટ હાઉસ બનાવ્યું છે. આ ઉપરાંત, પાણીની બચત અને છોડને ચોક્કસ પોષણ મળી રહે તે માટે ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ અને અદ્યતન વેધર સ્ટેશનનો ઉપયોગ કર્યો છે. આ વેધર સ્ટેશન દ્વારા ભેજ, તાપમાન અને જમીનના માપનના આધારે ઓટોમેટિક સિંચાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તેમના આ વૈજ્ઞાનિક અભિગમને કારણે, મિલનભાઈને આશરે ૧૬૦ ટન જેટલું બમ્પર ઉત્પાદન થવાની અપેક્ષા છે. હાલમાં તેઓ સ્થાનિક અને મોટા શહેરોના બજારમાં રૂ.૨૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાણ કરી રહ્યા છે અને વર્ષે રૂ.૦૩ કરોડથી વધુની માતબર કમાણીનું લક્ષ્ય ધરાવે છે. ‘શંભાલા ઓર્ચાર્ડ એન્ડ એગ્રો’ બ્રાન્ડ હેઠળ, હવે તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવાની મહત્ત્વકાંક્ષા પણ ધરાવે છે, જેનાથી ભાવ રૂ.૫૦૦ થી રૂ.૭૦૦ પ્રતિ કિલો સુધી પહોંચવાની શક્યતા છે. મિલનભાઈ રાવલ આજે ગુજરાતના ખેડૂતો માટે એક જીવંત પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.
