હિન્દ ન્યુઝ, જામનગર
ભારત સરકારના ‘મિશન શક્તિ’ યોજના હેઠળ, મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવા જામનગરમાં દસ દિવસીય વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઉજવણીના ભાગરૂપે ગત તા.2 સપ્ટેમ્બરના રોજ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન’ અંતર્ગત એક મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારી શ્રી ડો. પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોજાયો હતો.
આ શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. DHEW ટીમ દ્વારા મહિલા કેન્દ્રિત યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, અને આર્થિક સ્વાવલંબન યોજના વિશે જાગૃતિ ફેલાવવામાં આવી.ઉપરાંત, કામકાજના સ્થળે જાતીય સતામણી અને ઘરેલુ હિંસા જેવા કાયદાઓ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. મહિલાઓને કટોકટીમાં મદદરૂપ થઈ શકે તેવા હેલ્પલાઈન નંબરો જેમ કે 181 (અભયમ), 1098, 1930, અને 100 વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર, PBSC, અને VMKના સ્ટાફે પણ મહિલાઓને ઉપલબ્ધ સેવાઓ અને યોજનાઓ વિશે માહિતગાર કરી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને તેમને યોજનાકીય માહિતી પુસ્તિકાઓ (પેમ્ફલેટ) પણ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં તેમના અધિકારો અને ઉપલબ્ધ તકો વિશે જાગૃતિ, સશક્તિકરણ, અને ક્ષમતા નિર્માણ કરવાનો હતો. આ ઝુંબેશ દ્વારા શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, અને સ્વાસ્થ્ય જેવા તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.
