હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર-બોટાદના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ) શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ તા. 30 જૂનથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે શરૂ થયો છે. ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લેતો આ કેમ્પ 3 જુલાઈ સુધી ચાલશે. આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને આવતીકાલ ગુરુવારે અંતિમ દિવસ રહેશે.
જેમાં પ્રથમ બે દિવસ દરમિયાન 2,655 સાધનોની સહાય માટે લાભાર્થીઓનું પસંદગીકૃત નિદાન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 43 લાખથી વધુ છે.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વરિષ્ઠ નાગરિકોને આ ખાસ પ્રસંગનો લાભ લેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુખદ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), ઉજ્જૈન સહાયક ઉત્પાદન કેન્દ્રના સહયોગથી આ કેમ્પ 15 જુલાઈ-2025 સુધી ભાવનગર શહેર તથા તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ યોજાનાર છે.
60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજાતા આ એસેસમેન્ટ કેમ્પમાં ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગ સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ ફોલ્ડિંગ ખુરશી સહિત 15 પ્રકારના ઉપકરણોનું નિદાન અને સહાયનું આયોજન છે. લાભાર્થીઓને (૧) આધાર કાર્ડ અને (૨) રૂ. 15,000 કે તેથી ઓછી આવકના દાખલાના આધારે મફત નોંધણી કરવામાં આવે છે.
શુક્રવારથી જુદા-જુદા તાલુકા મથકો ખાતે કેમ્પનું વિસ્તૃત આયોજન
આ કેમ્પ 4 જુલાઈએ ઘોઘા, 5 જુલાઈએ શિહોર, 7 જુલાઈએ વલ્લભીપુર, 8 જુલાઈએ ઉમરાળા, 9 જુલાઈએ તળાજા, 10 જુલાઈએ મહુવા, 11 જુલાઈએ જેસર, 14 જુલાઈએ ગારીયાધાર અને 15 જુલાઈએ પાલીતાણા તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાશે. તાલુકા મથકો પર કેમ્પનું આયોજન કરવાથી છેવાડાના નાગરિકો સુધી લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
યોજનાના અનેક લાભો પણ સ્થળ પર ઉપલબ્ધ
એસેસમેન્ટ કેમ્પ સાથે વૃદ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના, આયુષ્માન કાર્ડ, તેમજ આવકના દાખલા કાઢવાની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ છે. સાથે લાભાર્થીઓને લાવવા-લઈ જવાની બસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ આયોજનને કારણે નાગરિકો તરફથી કેન્દ્ર સરકાર અને મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોની વખાણ કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ સહિત અગ્રણીઓની મુલાકાત અને પ્રશંસા
સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને લીલા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માએ પણ કેમ્પની મુલાકાત લઈ પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી. સાથે, ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ તેમજ અન્ય અધિકારીઓએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી. કલેક્ટરે કેમ્પના વ્યવસ્થાપન અને સુગમ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તથા તમામ ટીમને શુભેચ્છાઓ આપી હતી.
કોમલકાંત શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં છેવાડાના નાગરિકો સુધી સેવા પહોંચાડવાનો આગવો દૃષ્ટિકોણ છે. તેમને જણાવ્યું કે, આવા કેમ્પો વડે માતા-પિતાને એકસાથે વિવિધ નિદાન અને સહાય મળશે, જે સામાન્ય રીતે શક્ય બનતું નથી.
તેમણે કેન્દ્રની મોદી સરકાર, રાજ્ય સરકાર અને મંત્રી નિમુબેન બાંભણિયાના વિકાસલક્ષી પ્રયાસો માટે પ્રશંસા કરી અને જણાવ્યું કે આવનારા દાયકામાં ભાવનગર વધુ પ્રગતિ કરશે, તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
