હિન્દ ન્યુઝ, બોટાદ
બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે. ભારતીય બંધારણની કલમ – ૨૩ માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૦ જેટલી રેડ પાડીને ૧૩ બાળ શ્રમિકોને મુક્ત કરાવી કામે રાખનાર એકમો વિરુધ્ધ ૩ એફ. આઈ.આર. તથા ૦૯ તરુણ શ્રમિકોને મુક્ત કરાવીને મજૂરીએ રાખનાર આવા એકમો સામે ૦૪ ફોજદારી કેસ દાખલ કરી રૂ. ૭૪,૦૦૦/- નો દંડ વસૂલવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી કાર્યરત છે. આ કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૩ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. જાન્યુઆરી – ૨૦૨૦થી એપ્રીલ- ૨૦૨૫ સુધીમાં જિલ્લામાં ૧૫૦ જેટલી રેડ કરીને ૧૩ બાળ શ્રમિકો અને ૦૯ તરુણ શ્રમિકો એમ કુલ ૨૧ બાળ-તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. જે અંતર્ગત મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી કુલ રૂ. ૭૪,૦૦૦/- નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જિલ્લમાં આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે કુલ ૦૪ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૦૩ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તા. ૧૨ જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૧૯૮૬ માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ ૦ થી ૧૪ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ૧૪ થી ૧૮ વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા- વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ‘બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ’ કરવામાં આવ્યું છે.
બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ ૬ માસથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. ૨૦ હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે દોષિતો આ જ પ્રકારનો ગુનો બીજીવાર કરે તો તેવા સંજોગોમાં ૧ વર્ષથી લઈને ૩ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.
મુક્ત કરાયેલાં બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. મુક્ત કરાયેલાં તમામ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ અપાવે છે. મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.
વિશ્વભરમાં આ વર્ષે ૨૦૨૫માં “સેફ એન્ડ હેલ્ધી પેઢી” થીમ સાથે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જેનો ઉદ્દેશ્ય યુવાન કામદારોની સલામતી, આરોગ્યમાં સુધારો કરવાનો અને તમામ પ્રકારની બાળ મજૂરીનો વહેલામાં વહેલી તકે અંત લાવવાનો છે.
