હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કોઈપણ પ્રકારની કપરી સ્થિતિમાં ઇમરજન્સીને ધ્યાને લઈ ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં નાગરિકોએ અભૂતપૂર્વ દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. જેના થકી આશરે ૧૦૦૮ યુનિટ એકત્ર થયાં હતાં.
જિલ્લા કલેક્ટરએ રક્તદાનમાં સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, પદાધિકારીઓ અને સંગઠનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વિવિધ સંસ્થાઓ અને નાગરિક સમાજના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન માટે તમામ સંગઠનો, વિવિધ કચેરીઓ તેમજ સંસ્થાઓનો પૂર્ણ સહકાર મળ્યો છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન ૧૦૦૦થી વધુ યુનિટ્સ એકઠાં થયાં છે. આમ, નાગરિકોએ દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ એમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત દેશની રક્ષા કરવા કાજે સેનાના જવાનો દેશની સુરક્ષા માટે સતત કાર્યરત છે. સરહદ પર સંઘર્ષના સમયે ઘાયલ જવાનો માટે લોહીની જરૂર ઉદ્ભવે અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે પણ લોહી ઉપલબ્ધ રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એન.સી.સી. કેડેટ્સ, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વ્યાપારી મંડળો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો, અગ્રણીઓ, અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયાં હતા.
