જામનગર જિલ્લામાં રહેતા શિવાંશને મળી માં-બાપની હૂંફ

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટ કેતન ઠક્કર દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા બાળકને યુએસએના ન્યૂજર્સી ખાતે વસવાટ કરતાં દંપતીને દત્તક વિધાન હેઠળ સોંપવામાં આવ્યું હતું. જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ની કલમ-૫૬ મુજબ દત્તક વિધાનની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં અનાથ,ત્યજી દેવાયેલા અને સોપી દેવાયેલા બાળકો તેમજ સ્ટેપ એડોપ્શન અને ફેમેલી એડોપ્શન અંતર્ગત દત્તક વિધાનના નિયમો હેઠળ દત્તક આપવામાં આવે છે. જે અન્વયે મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના રહેવાસી અને હાલ ન્યુ જર્સી યુએસએ ખાતે વસવાટ કરતા અરજદાર કલ્પેશભાઈ માણસુરિયા અને અંજલીબેન કલ્પેશભાઈ માણસુરિયા દ્વારા જામજોધપુર ખાતે રહેતા શિવાંશ ઉદયકુમાર કાંજીયા કે જેઓ સંબંધમાં અંજલીબેનના ભત્રીજા થાય છે જેઓને દત્તક લેવા અંગે ઇન્ટર કન્ટ્રી રીલેટીવ એડોપ્શન અન્વયે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હસ્તકના Central Adoption Resource Authority ની ઓફિસિયલ વેબસાઈટ https://carings.wcd.gov.in પર ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.

આ અરજીની જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર દ્વારા ચકાસણી કરી સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી નવી દિલ્લીને મોકલી આપવામાં આવી હતી. અને ત્યાંથી અરજીની ચકાસણી કરી બાળકને ઇન્ટર કન્ટ્રી રીલેટીવ એડોપ્શન અન્વયે દત્તક આપવા બાબતે મંજુરી આપવામાં આવી હતી. જે અન્વયે કલેકટર કેતન ઠક્કર દ્વારા બાળકને તેના માતા-પિતાને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

દત્તકવિધાન વેળાએ બાળકને દત્તક લેનાર વાલીઓએ હર્ષભેર જણાવ્યું હતુ કે બાળક દત્તક લેવા અંગે અમે નોંધણી કરી ત્યારથી લઈ અમને બાળક મળ્યુ ત્યા સુધી સ્થાનિક તંત્ર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો. તેમના આ સહકારને કારણે આજે પિતા વિહોણા શિવાંશને માતા પિતા અને પરિવાર મળ્યો છે. આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપતી પણ છે કે જેઓ સંતતિ સુખ થી વંચિત છે. ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે. તેમ જણાવી આવા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગરનો આભાર વ્યક્ત કર્યો હતો. 

દત્તક વિધાન વેળાએ નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી તથા સમિતિના સભ્યો તથા કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment