વિશ્વ મહિલા દિવસ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ‘રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ’ હેઠળ ગીર સોમનાથ જિલ્લાની ૪૬૦ શાળાઓમાં ૨૫,૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને સ્વ-રક્ષણની તાલીમ વડે સજ્જ અને શિક્ષિત બનાવવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી મુજબ, જિલ્લાની ૪૬૦ શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨ની વિદ્યાર્થિનીઓને ‘રાણી લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ’ અંતર્ગત ટ્રેઈન કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સુરક્ષા સેતુ દ્વારા ત્રણ મહિના માટે નક્કી થયેલી એજન્સી, ગીર સોમનાથ કરાટે એસોસિયેશન દ્વારા જૂડો, બોક્સિંગ, કરાટે સહિતની સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાની ૪૨૪ ઉચ્ચ પ્રાથમિક શાળા, ૨૮ માધ્યમિક શાળા તેમજ ૮ પી.એમ.શ્રી શાળા સહિત કુલ ૪૬૦ શાળાઓમાંથી કુલ અંદાજિત ૨૫,૦૦૦ વિદ્યાર્થિનીઓને આ તાલીમ આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટના માધ્યમથી તાલીમ લીધા પછી વિદ્યાર્થિનીઓ ખેલ મહાકુંભ તેમજ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ રીતે, સેલ્ફ ડિફેન્સની સાથે સાથે આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ કેળવવાનું પણ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધોરણ-૬થી ૧૨ની વિદ્યાર્થિનીઓને શાંતિપૂર્વક અને સલામત રીતે અભ્યાસ કરી શકે તેમજ કટોકટીની સ્થિતિમાં સ્વબચાવ કરી શકે તેવા હેતુસર સ્વ-રક્ષણનો અભિગમ અપનાવાયો છે.
જેમાં વિદ્યાર્થિનીઓને ખાસ કોચના માધ્યમથી આત્મરક્ષણની તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થિનીઓને તાલીમ મળતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વિદ્યાર્થિનીઓને હિંમત મળે છે. પરિણામે વિદ્યાર્થિનીઓને મળેલી તાલીમનો ઉપયોગ સંકટ સમયે પોતાના રક્ષણ માટે કરી શકે તે મુજબ વિદ્યાર્થિનીઓને તૈયાર કરવામાં આવે છે.