હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં આંકલાવ, બોરીયાવી અને ઓડ નગરપાલિકાઓની ચૂંટણી તથા ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ નંબર-૪ ની પેટા ચૂંટણી અને ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ બેઠકની પેટા ચૂંટણીના સંદર્ભમાં મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત દ્વારા આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપી છે.
જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ એક જાહેરનામા દ્વારા સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાપક્ષના સભ્યો કે ઉમેદવારો એક હથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે. કોઈપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણુ-વરંડા સહિત) નો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચુંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી. સરકારી વિશ્રામગૃહ, અતિથીગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ પણ યોજી શકશે નહી.
ચુંટણી પ્રચારમાં આવેલ જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ-અતિથી ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભવોને લાવતા-લઈ જતાં વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથીગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. જો તેઓ આ માટે એફ કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથીગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહી.
એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી, તેમજ ચુંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભવોને મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલ સમયના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/ અતિથીગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહીં.
આ જાહેરનામું આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૦૪ અને ખંભાત તાલુકાની ૦૧ બેઠક ઉંદેલ પેટા ચૂંટણી પૂરતા વિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લધન કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.