મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની કર્મભૂમિ બોરસદથી આણંદ જિલ્લાને રૂ.૨૩૦.૨૯ કરોડ વિકાસ પ્રકલ્પોની ધરી ભેટ

હિન્દ ન્યુઝ, આણંદ 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભારત રત્ન સરદાર સાહેબની કર્મભૂમિ આણંદ જિલ્લાના બોરસદથી રૂ.૨૩૦.૨૯ કરોડના ૯૧ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક અને અખંડ કર્યો હતો અને વિશ્વનેતા નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી એક ભારત – શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે.

મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલ ઉપર હોય અને વિકાસ માટે કેવું વિઝન હોય ? તેનું જીવંત ઉદાહરણ ગુજરાતના વિકાસ મોડેલ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ પૂરૂ પાડ્યું છે.

મુખ્યમંત્રીએ બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૮, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૫૭ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના ૧૬, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના ૪, પ્રાથમિક શિક્ષણ વિભાગના ૬ સહિત કુલ ૯૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જેને પરિણામે આણંદ જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે.

 ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ત્રીજા કાર્યકાળમાં આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં દેશના સામાન્ય માનવીના સંગીન વિકાસનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. ગામડાઓ સુધી રોડ કનેક્ટિવિટી વીજળી તેમજ મલ્ટિસ્પેશ્યાલિટીઓનો વ્યાપ આ બજેટમાં વધારવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની ભૂમિકા આપતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગામડાઓને માર્ગોના માળખા સાથે જોડવા માટે આ યોજના શરૂ કરાવી હતી અને આજે ૧૫ હજાર ગામડાઓના ૩ કરોડ જેટલા નાગરિકો માટે ૮૦ હજાર કિલોમિટર માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં અભૂતપૂર્વ બદલાવ આવ્યો છે અને તે જોઇ શકાય છે. પહેલા નાગરિકોને એક સરકારી કામ અર્થે અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. આપણે હવે ઇઝ ઓફ ગર્વનન્સની વિભાવનાને સાકાર કરી તાલુકા કક્ષાએ એક સ્થળેથી નાગરિકોને વિવિધ સુવિધાઓ અને સેવાઓ મળે તે માટે તાલુકા સેવાસદન કાર્યરત કરવામાં આવ્યા છે અને આ શ્રેણીમાં બોરસદ તાલુકા સેવા સદનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વિકાસ કામોનું અમલીકરણ ચોક્કસ સમય મર્યાદામાં થાય છે, એ વાતને સમજાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમે જે કામોના ખાતમુહૂર્ત કરીએ છીએ, એ કામોના અમે જ લોકાર્પણ કરવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે. લોકોની સમસ્યાને ધ્યાને રાખીને વિકાસ કામોનું આયોજન કરવામાં આવે છે.

ઉક્ત સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પહેલા નગરપાલિકા કે મહાનગરપાલિકાના બજેટમાં વિકાસ કામો માટેની નાણાંકીય જોગવાઇ બહુ જ ઓછી થતી હતી. હવે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં કરોડોના વિકાસ કામો થઇ રહ્યા છે. શહેરી વિકાસ માટેનું બજેટ પણ વધારવામાં આવ્યું છે. ગ્રિન એન્ડ ક્લિન ફ્યુચરના વડાપ્રધાનશ્રીના સંકલ્પને અનુરૂપ પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિના મંત્રને આપણે સાકાર કર્યો છે.

દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવીને વિકસિત ભારત @ ૨૦૪૭ ના નિર્માણમાં સૌએ કર્તવ્યરત રહી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

વિકસિત ભારતમાં નાગરિકો કેવી રીતે યોગદાન આપી શકે, તેની સમજ આપતા તેમણે કહ્યું કે, પાણી બચાવવું, પર્યાવરણ અને સ્વચ્છતાની જાળવણી અને પ્રાકૃતિક કૃષિના સ્વીકાર જેવી નાની નાની બાબતોથી પણ વિકસિત ભારતમાં યોગદાન આપી શકાય છે. આવી રીતે પણ આઝાદીના લડવૈયાઓ દ્વારા જોવાયેલા ભારત નિર્માણના સ્વપ્નને સાકાર કરી શકાય છે અને દેશ માટે જીવી શકાય છે.

પ્રારંભમાં સૌનો આવકાર કરતા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ સરદાર સાહેબની કર્મ ભૂમિ એવા બોરસદ સમેત સમગ્ર આણંદ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થઈ રહેલા જન કલ્યાણના વિકાસ કામોની ભૂમિકા આપી હતી અને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દર્શાવેલા સંકલ્પને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સિધ્ધ કર્યો છે.

તેમણે જણાવ્યું કે, બોરસદ વિસ્તારમાં સરફેસ વોટર આપવા અને વીજળી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા માટેની યોજનાને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આજે મળેલા વિકાસ કામોની આરોગ્ય, શિક્ષણ અને માર્ગોની વ્યવસ્થા વધુ સુલભ બનતા લોકોને રાહત થશે.

આ તકે મુખ્યમંત્રીએ બોરસદમાં નવનિર્મિત તાલુકા પંચાયત ભવન અને વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરી ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સભા સ્થળે મુખ્ય મંત્રીએ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર ૦૮ મહાનુભાવોનું સન્માન કર્યું હતું.

આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત “જનસેવકનું જનકાર્ય” કોફી ટેબલ બુકનું મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું.

અંતમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આભારવિધિ કરી હતી.

વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષિણક સંસ્થાઓ, દાતાઓ તેમજ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, અગ્રણી રાકેશભાઇ શાહ, રાજેશભાઈ પટેલ, જગતભાઈ પટેલ, રણજીતસિંહ ચૌહાણ, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જે.વી.દેસાઈ સહિત તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ, સરપંચો સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

Related posts

Leave a Comment