હિન્દ ન્યુઝ, આણંદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમરસ ગ્રામ પંચાયત, કન્યા કેળવણી, જન એકતા અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સુણાવ ગામ વડાપ્રધાનના આત્મનિર્ભર ગામથી આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સુણાવ ગામ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ સુધી વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવા સૌને સહિયારા પ્રયાસોથી કામ કરવાનો મુખ્ય મંત્રીએ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન પેટલાદ તાલુકાના સુણાવ ગામની મુલાકાત લીધી હતી. સુણાવ રત્ન મેળવનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું કે, બે સદીની વિરાસત, ઇતિહાસ અને સંસ્કૃતિને સુણાવ ગામે સાચવી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે.
મુખ્યમંત્રીએ સિનિયર સિટીઝન હોમ, જલારામ મંદિરે દર્શન કર્યા હતા તેમજ મંડળના કેમ્પસમાં ઊભી કરાયેલ ધરતીપુત્ર નવનીતભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરી નવનીત પટેલ માર્ગનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ વડીલ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને સંસ્થાના વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું.
મુખ્યમંત્રીના આગમન વેળાએ સુણાવ કેળવણી મંડળના પરિવારના સભ્યો દ્વારા મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપીને તેમનું સહર્ષ સ્વાગત કર્યું હતું તેમજ મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને ઋષભભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ નરહરી અમીન, ધારાસભ્યો સર્વ કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, સુણાવ કેળવણી મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ, કે.ડી.સી.સી બેંકના ચેરમેન તેજસભાઇ પટેલ અને સુણાવ કેળવણી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.