હિન્દ ન્યુઝ, સુરત
સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ(વેડ રોડ)ના ૮૫૦ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદભૂત શિસ્ત અને ટીમવર્ક સાથે I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી.
શહેર પોલીસના ‘આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ એવરનેસ કેમ્પેઈન’માં સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શાળાસ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમાર, ટ્રાફિક એસીપી વી.પી. ગામીત, શિક્ષણ નિરીક્ષક ડૉ. સંગીતાબેન મિસ્ત્રી, પી.આઈ. રાઠોડ, શાળાસ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ભગીરથસિંહ પરમારે શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ સલિયા, ગુરૂકુલ કેમ્પસ સહનીરિક્ષક ભગવાનભાઈ કાકડીયા, અતિથિ ભૂ.પૂ. વિદ્યાર્થી દિનેશભાઈ ડાંગોદરાને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગની ટીમને પણ બિરદાવ્યા હતા.