હિન્દ ન્યુઝ, આણંદ
પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાના ઉજવણી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટસ એસોશિએશન ગ્રાઉન્ડ ખાતે કરાશે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં સુરક્ષા જવાનોની પ્લાટુનની પરેડ યોજવાની સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત સરકારી કચેરીઓને રોશનીથી શણગારવાનું આયોજન સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈ સહીત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાહતા.