એસ.ટી. ની ૧૩૫૯ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો સુરતના ૮૬,૫૯૯ મુસાફરોએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, સુરત

     શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સુરતમાં નોકરી વ્યવસાય કરનારા નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે સુરત એસ. ટી.વિભાગ દ્વારા દિવાળી સ્પેશિયલ ૧૩૫૯ એક્સ્ટ્રા બસોની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી સુરત એસ.ટી. વિભાગને રૂ.૨,૫૬,૭૩,૨૯૫ ની બમ્પર આવક થઈ હતી. ૫,૧૬,૯૯૩ કિમીની ૧૩૫૯ એક્સ્ટ્રા ટ્રીપોનો સુરતના ૮૬,૫૯૯ મુસાફરોએ લાભ લઈ પોષણક્ષમ ભાડામાં પરિવાર સાથે સમયસર, સલામત રીતે માદરે વતન પહોંચ્યા હતા.

              પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના એક્સ્ટ્રા બસ સંચાલનના આયોજનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રાજ્યમાં સુરતથી થયેલી કુલ ટ્રીપો જોઈએ તો, અમરેલીની ૧૧૫, સાવરકુંડલાની ૭૦, મહુવાની ૮૬, ગારીયાધારની ૫૫, ભાવનગરની ૩૩, જુનાગઢની ૪૨, ઉનાની ૯ અને અમદાવાદની ૭ ટ્રીપો કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ૪૧૯ ટ્રીપો દ્વારા ૨૨૧૫૦ મુસાફરો વતન પહોંચ્યા હતા. તા.૩૦મીએ અંતિમ દિવસે ૩૧૭ ટ્રીપો થકી ૧૬,૧૪૨ મુસાફરો વતન ગયા હતા. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થયેલા દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮%નો વધારો નોંધાયો હતો. 

                   સુરત એસ. ટી. વિભાગીય નિયામકશ્રી પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે, રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાઓના રત્નકલાકારો નોકરી/વ્યવસાય અર્થે સુરતમાં સ્થાયી થયા છે, જેઓ દિવાળીના તહેવારમાં સપરિવાર માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધર્યું હતું. GSRTC ના સુરત વિભાગ દ્વારા તા.૨૬ થી તા.૩૦ ઓક્ટોબર દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરતથી વધારાની ૧૩૫૯ બસો દોડાવવામાં આવી હતી. આ માત્ર વધારાની બસોનું સંચાલન હતું, જ્યારે રેગ્યુલર બસોનો મુસાફરોએ લાભ મેળવ્યો તે અલગ છે. 

              આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવ્યા હતા. જેમાં ૧,૩૧,૮૨૭ કિમીની ૨૯૨ ટ્રીપો થકી ૩૦,૮૦૪ મુસાફરોને વતન પહોંચાડ્યા છે અને આ ગ્રુપ બુકિંગથી એસ. ટી. તંત્રને રૂ.૬૦,૦૮,૬૨૦ની કમાણી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Related posts

Leave a Comment