હિન્દ ન્યુઝ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન 2024નો ગૃહ તેમજ વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા આ અવસરે ‘Enabling Safe Routes To School’, ‘Living Lab Methodology Toolkit’ તેમજ The Green Urban Mobility Partnership ન્યૂઝ લેટર તથા શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવા માટેના રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શહેરીકરણ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, સુગમ અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સાથેની અર્બન મોબિલિટી, ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાનો સિદ્ધાંત રજૂ કર્યો છે. તેમણે રાજ્યમાં અર્બન મોબિલિટી સેક્ટરમાં થયેલ પ્રગતિ અને અનુભવના આદાન-પ્રદાન માટે આ કોન્ફરન્સને ખૂબ મહત્વપૂર્ણ ગણાવી હતી.
માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સહિત ગુજરાતના શહેરી વિકાસ ક્ષેત્રમાં પ્રગતિને વેગ આપતા અનેકવિધ પ્રકલ્પો અને યોજનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં BRTS, મેટ્રો, પાર્કિંગ સુવિધા તેમજ ક્લીન અને ગ્રીન મોબિલિટી માટેના અનેક અગત્યના આયોજનથી અર્બન મોબિલિટીમાં આવેલ ક્રાંતિકારી પરિવર્તન અંગે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે આ કોન્ફરન્સ વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં એક મોટો પ્રયાસ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બન મોબીલીટી ઇન્ડિયા કોન્ફરન્સના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત એક્સ્પોનું ઉદઘાટન કરી શહેરી પરિવહનના ઉત્તમ પ્રકારો, અદ્યતન શહેરી પરિવહન ટેકનોલૉજી, સેવાઓ અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં વર્તમાન સ્થિતિનું નિદર્શન કરતા જાહેર અને ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રદર્શકોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.