૧૬મું નાણાં પંચ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

      તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ આખરી કરતાં પહેલાં સંબંધિત રાજ્યોની મુલાકાત લઈ વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવા ૧૬મું નાણાં પંચ વર્તમાનમાં ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત નાણાં પંચે આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી.

૧૬માં નાણાં પંચના અધ્યક્ષ ડો.અરવિંદ પાનાગરિયા અને સભ્યો સર્વ એની જ્યોર્જ મેથ્યૂ, ડૉ. મનોજ પંડા અને સૌમ્યકાંતિ ઘોષ સાથે આજે બપોર બાદ વેરાવળ તાલુકાના કાજલી ગામની મુલાકાત લીધી હતી.

નાણાં પંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના ગામમાં કાર્યાન્વયન અને તેની પ્રગતિ વિશેની જાણકારી સરપંચ અને સ્થાનિક ગ્રામજનો પાસેથી મેળવી હતી અને ગ્રામીણ વિસ્તારની વિવિધ જરૂરિયાતો અને વિકાસના વિવિધ કામ અંગે ઉચિત સંશાધન, પ્રાપ્ત ફંડ અને વિકાસના વિવિધ કામની પૃચ્છા કરી કાજલી ગામની વિકાસ પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. 

કાજલી ગ્રામ પંચાયત ખાતે અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગામમાં થયેલા વિકાસકાર્યો વિશે પંચને અવગત કરાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ તરખાલાએ વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવેલ ફંડ, તેના વપરાશ, બચત અને ગામમાં થયેલા વિકાસ તેમજ પંચાયત વિકાસ સૂચકાંક અંગે વિગતવાર માહિતી આપી હતી.

૧૬માં નાણાપંચે કાજલી ગામના સરપંચ શ્રી હંસાબહેન બારડ તથા સભ્યો સાથે સંવાદ કરી ૧૫માં નાણાપંચ અંતર્ગત ગામમાં સીસી રોડ, પાઇપલાઇન, પાણીની સુવિધા, આંતરમાળખાકીય સુવિધા, કચરાના નિકાલ વગેરે બાબતો વિશે પૂછપરછ કરીને જાણકારી મેળવી હતી. તેમજ ગ્રામ્ય વિકાસમાં નાણાં વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ ખર્ચ વિશે પૃચ્છા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. 

પંચે કાજલી પ્રાથમિક શાળા, સેગ્રીગેશન શેડ, કમ્પોસ્ટ પીટની મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી. પંચે આ ઉપરાંત ગામમાં આવેલા કારડિયા રજપૂત સમાજની વાડી ખાતે આયોજિત કરવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ અને સખી સ્ટોલની મુલાકાત લીધી હતી. પંચે ગામવિકાસ અંગેની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ પણ આ અવસરે નિહાળી હતી.

પંચની આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરે સખી મંડળનું ગઠન અને સખીમંડળની વિવિધ કામગીરી તેમજ તેમના થકી થતા પેઇન્ટિંગ, હેન્ડિક્રાફ્ટ, ફોટો ફ્રેમ, કપડા, કટલરી વગેરેના વેચાણ માળખા અને જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી સુનિયોજિત વ્યવસ્થા અંગે અવગત કર્યા હતાં.

આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ સહિત ખેતીવાડી, બેંક, આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ અગ્રણી માનસિંગભાઈ પરમાર અને કાજલી ગ્રામ પંચાયતના સભ્યો તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment