હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને એક જ સ્થળ પરથી વિવિધ યોજનાકીય લાભો મળી રહે તે માટે તા.૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકાના કાજલી એ.પી.એમ.સી ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે.
ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠક આ અંગેની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે મળી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ દ્વારા પીવાનું પાણી, વિવિધ યોજનાકીય સ્ટોલ્સ, લાભાર્થીઓ-મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક નિયમન, વાહન પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્ટેજ સંચાલન તેમજ વિવિધ અધિકારીઓને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શના ભગલાણીએ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ-સહાયનું વિતરણ કરવા અંગે, વિવિધ યોજનાઓના મંજૂરી હુકમ અને લાભાર્થીઓના પ્રતિભાવ સહિત સ્થળ પર સુનિયોજીત આયોજન થાય એ અંગે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, ચિરાગ હિરવાણિયા, નાયબ કલેક્ટર-૧ ભૂમિકા વાટલિયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ.તરખાલા સહિત આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.