હિન્દ ન્યુઝ, જામનગર
ડૉ.મોહનસિંહ મહેતાની આગેવાની હેઠળની સમિતિની ભલામણ મુજબ, ફાર્મ સાયન્સની સ્થાપનાના વિચાર બાદ પ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના 1974માં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુરના વહીવટી નિયંત્રણ હેઠળ પોંડિચેરી ખાતે કરવામાં આવી હતી. જેને ૫૦ વર્ષ પૂર્ણ થતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ભારત દેશમાં ICAR દ્વારા તા.૨૩ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન “કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વિક” ની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતે કરવામાં આવી રહી છે.
ઉજવણી દરમ્યાન ખેડૂતોને ટકાઉ ખેતી અને આજીવિકા વધારવા માટે નવીન કૃષિ પદ્ધતિઓ, પાક વૈવિધ્યકરણ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ, એગ્રી-બિઝનેસ અને વેલ્યુ એડિશન, પશુધન વ્યવસ્થાપન અને સંલગ્ન કૃષિ, ખેડૂતો માટે નાણાકીય અને સરકારી સહાય તેમજ ખેતીનો ખર્ચ ઓછો કરવા માટે ઓર્ગેનિક/પ્રાકૃતિક ખેતી જેવી જુદી જુદી થીમ ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.
“કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વિક”નો ઉદ્ઘાટન કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ધારાસભ્ય મેઘજીભાઈ ચવડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. તેઓએ ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી કરવા જણાવ્યું હતું તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને પોષણક્ષમ બનાવવા માટે તૃણ ધાન્યોની ખેતી કરવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો. કે.ડી. મુંગરાએ તૃણ ધાન્યોની અગત્યતા અને તેમની ખેતી પદ્ધતિ વિષે ભાર મૂક્યો હતો તેમજ ખેડૂત પોતાનું બીજ ઉત્પાદન જાતે જ કરે અને તેમના ખર્ચ ઘટાડવાના ઉપાયો પણ દર્શાવ્યા હતા.
ડો. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવી કપાસને સાંકળે પાટલે વાવેતર કરી ટૂંકા ગાળામાં ઉત્પાદન લઇ શિયાળુ પાક લેવા માટે માહિતગાર કર્યા હતા. ઉપરાંત પાકને જરૂરિયાત મુજબ એકાંતરે પાટલે પિયત આપવા, દવાનો કર્યક્ષમ ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવા તેમજ જરૂરિયાત મુજબ સુક્ષ્મ તત્વોનો ઉપયોગ કરીને તંદુરસ્ત પાક ઉત્પાદન કરવા ભલામણ કરી ફિલ્ડ વિઝીટ દ્વારા પ્રત્યક્ષ દિશાનિર્દેશન કરવામાં આવ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરના વડા ડો. કે. પી. બારૈયાએ સૌ મહેમાનો અને ખેડૂતોને આવકારીને કેન્દ્રની કામગીરી વિષે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૩૫ જેટલા ખેડૂતોએ સક્રિય ભાગ લીધો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા સંશોધન વૈજ્ઞાનિક (બાજરા)ના ડૉ. કે. ડી. મૂંગરા, જીલ્લા ખેતીવાડી અધિકારી આર. એસ. ગોહિલ, નાયબ પશુપાલન નિયામક ડૉ. તેજસ શુક્લ, નાયબ ખેતી નિયામક (તાલીમ) કે. એસ. ઠક્કર, નાયબ બાગાયત નિયામક એચ. બી. પટેલ, બાજરા સંશોધન કેન્દ્રના સ્ટાફ દ્વારા જાહેરમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની ઉજવણી દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ રોજે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.