હિન્દ ન્યુઝ, જામનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘જળ સંચય જન ભાગીદારી’ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલ અંતર્ગત ચાલી રહેલા જળ શક્તિ અભિયાન- કેચ ધ રેઈન મુવમેન્ટને વેગ મળશે. લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનનું સુચારુ આયોજન આ પહેલ થકી મજબૂત બનશે. જેનાથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે.
કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી ગુજરાતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરવામાં આવી છે. આજરોજ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી.
કાર્યક્રમ અંતર્ગત જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું લાઈવ બ્રોડકાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય આગેવાનો વર્ચ્યુઅલ સ્ક્રીનીંગ માધ્યમથી કાર્યકમમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકો માટે વરસાદનું પાણી કઈ રીતે બચાવવું, પીવાના પાણીનો કઈ રીતે સંગ્રહ કરવો તેના માટે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રલાય દ્વારા જળ સંગ્રહ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં પૂરજોશથી આ કાર્યક્રમની અમલવારી થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહત્તમ રીતે વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટે અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા લાગુ પાડવામાં આવી છે. આ ખેડૂતોના હિત માટેનો કાર્યક્રમ છે એટલે જામનગર જિલ્લાના મહત્તમ ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં લોક આગેવાન રમેશભાઈ મુંગરા, કુમારપાલસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા, મુકુંદભાઈ સભાયા, અન્ય લોક આગેવાનો, માર્કેટિંગ યાર્ડના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો અને અન્ય નાગરિકો હાજર રહ્યા હતા.