હિન્દ ન્યુઝ, આણંદ
દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સારસ્વતોના ગરિમાગાન કરતા આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરૂ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ જોડાયેલું છે. એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે. આવા અનેક ઉદાહરણો આપની સમક્ષ છે.
શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ ૨૦૨૪-૨૫માં આણંદ જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર માટે શ્રીમતી બિનલબહેન મેકવાનની પસંદગી કરવામાં આવી છે, તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખેતીવાડી પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
શ્રી બિનલ મેકવાને શિક્ષણમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વિવિધ ટી. એલ. એમ. પ્રત્યાયન શિક્ષણ થકી બાળકોના માનસિક અને સર્વાંગી વિકાસની એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી છે.
તેઓ શાળા સમય પહેલા અને બાદ પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવા સાથે સંશોધનાત્મક શિક્ષણ પધ્ધતિ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
ધો. ૩ થી ૫ માં ગણિત વિષયના શિક્ષક તરીકે હાલ તેઓ ફરજ બજાવી વિવિધ શૈક્ષણિક સાધનો થકી વિદ્યાર્થીઓનો ગાણિતિક પાયો મજબૂત બનાવી રહ્યા છે.
વાંચન-લેખન-ગણન માટે ટી. એલ. એમની રચના કરી શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓ માટે શાળા સમય બાદ શૈક્ષણિક વર્ગોનું આયોજન, વાલી સંપર્ક,વાલી મિટિંગ દ્વારા વિદ્યાર્થીઓનું સતત મોનીટરીંગ, એકમ કસોટી અને તેના ઉપચારાત્મક કાર્યનું આયોજન કરવું, શાળાની ભૌતિક સુવિધામાં વધારો થાય તે માટે દાતાઓનો સંપર્ક કરવો, શાળામાં ઇનોવેશન દ્વારા શિક્ષણકાર્ય, ક્રિયાત્મક સંશોધન દ્વારા એકમોનું સરળીકરણ, શૈક્ષણિક વીડિયો દ્વારા શિક્ષણ,વિશેષ દિનની ઉજવણી અને યુ ટ્યુબ પર દિન મહિમા તેમજ માહિતીલક્ષી અન્ય વીડિયોનું નિર્માણ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પાસાને મજબૂત બનાવવાનું કાર્ય કરી રહ્યા છે.
શિક્ષક તરીકેની ૨૪ વર્ષની કારકિર્દી દરમ્યાન તેઓએ ધો. ૧ અને ૨ માં ૧૫ વર્ષ કરતાં વધુ સમય શૈક્ષણિક કાર્ય કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતું પાયાનું શિક્ષણ મજબૂત કરવાના અથાગ પ્રયત્નો કર્યા છે. વર્ષ ૨૦૧૯માં બ્લોક કક્ષાએ ધો. ૧ અને ૨ ના બાહ્ય મૂલ્યાંકનમાં આણંદ નગર પાલિકાની તમામ શાળાઓમાં બિનલબેન મેક્વાનની શાળા અને તેમનો વર્ગ પ્રથમ ક્રમે આવ્યો હતો. જે તેમના કાર્યની સફળતા દર્શાવે છે.
બિનલબેન ક્રિયાત્મક સંશોધન અને ઇનોવેશન ફેરમાં નાવીન્યપૂર્ણ કાર્ય કરીને અન્ય શિક્ષકો માટે પ્રેરકરૂપ બન્યા છે. શાળાની તમામ પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લઇ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરે છે. આણંદ નગર પાલિકા કક્ષાએ ગરબા સ્પર્ધાઓમાં દર વર્ષે વિજેતા બનવાનું ગૌરવ તેઓને પ્રાપ્ત થયું છે.
યુ-ટ્યુબ ચેનલ મારફતે વિવિધ શૈક્ષણિક વિડીયો બનાવીને રાજ્યની ધો.૧ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવાના તેઓના પ્રયત્નોને શિક્ષકોએ બિરદાવ્યા છે. અત્યાર સુધી ૨૮૦ થી વધુ વિડીયો બનાવીને યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે.
ડી. ડી. ગિરનાર ચેનલ પર પણ શૈક્ષણિક વિડીયો બનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે. જી. સી. ઇ. આર. ટી., ગાંધીનગર આયોજિત ‘દિન વિશેષ’ અંકમાં વિશેષ યોગદાન આપી આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
બિનલ મેકવાનને અત્યાર સુધી શિક્ષણ વિભાગ તરફથી પ્રતિભાશાળી શિક્ષક, રોટરી ક્લબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, સમગ્ર શિક્ષા વિભાગ તરફથી હોમલર્નિંગ સન્માન, આઇ.આઇ.ટી.ઈ., ગાંધીનગર દ્વારા સંચાલિત રેડિયો પ્રોગ્રામમાં જોડાવા સન્માન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન જેવી સિદ્ધિઓ મેળવી ચૂકયા છે.
મૂર્ત વસ્તુઓ દ્વારા સરવાળા અને બાદબાકીના તથ્યો વિષય પર ક્રિયાત્મક સંશોધન, ઉત્સવ મહિમા પુસ્તકનું પ્રકાશન અને ૧૦૦ જેટલા વિવિધ ધર્મના તહેવારોનો પરિચય આપતું QR કોડ સાથેનું પુસ્તક શિક્ષણ જગતને અપર્ણ કર્યું છે.
વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે નવીન પધ્ધતિઓ – પ્રયુક્તિઓનો ઉપયોગ કરી સતત શિક્ષણમાં નાવીન્યપૂર્ણ કાર્ય કરી, ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રવૃત રહીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેના અથાગ પ્રયાસોને કારણે તેઓને વર્ષ-૨૦૨૪-૨૫ માટે આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આણંદ ખાતે આજે તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ યોજાનાર જાહેર કાર્યક્રમમાં પુરસ્કાર આપી શ્રીમતી બિનલબેન મેકવાનનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના હસ્તે તેમનું સન્માન કરવામાં આવશે.