હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર સતત સતર્ક રહ્યું હતું. જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને વિવિધ વિભાગોના કંટ્રોલરૂમને મળેલી ફરિયાદનો સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ રહ્યું હતું. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કટોકટીની પળોમાં રાહત-બચાવ અને અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ સતર્ક રહી સરાહનીય કામગીરી કરી હતી.
સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી હતી અને જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને વિવિધ વિભાગોના કંટ્રોલરૂમ ૨૪ કલાક શરૂ રાખવામાં આવ્યાં હતાં. વરસાદના કારણે લોકોને કંઈ પણ મુશ્કેલી જણાય તો કંટ્રોલરૂમનો સંપર્ક સાધવા જણાવાયું હતું. જેના પગલે કંટ્રોલરૂમને મળેલી ફરિયાદોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંટ્રોલરૂમમાં તા. ૨૪ થી ૨૮ ઓગસ્ટ-૨૦૨૪ સુધીમાં વિવિધ ફરિયાદો મળી હતી. જેમાં વૃક્ષ પડવા તથા તેને દુર કરવા અંગે, પાણી ભરાવાની સમસ્યા અંગે તેમજ જિલ્લામાં આવેલ કુલ ૫ (પાંચ) મહત્વના ડેમમાંથી પાણી છોડવાના સમયે સબંધિત તાલુકા કંટ્રોલરૂમને જાણ કરી તાલુકા વહીવટી મારફતે નદી પટમાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી.
હવામાન વિભાગ તેમજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી આપવામાં આવતા વરસાદના એલર્ટને લઈને જિલ્લા કલેકટરના ટવીટર હેન્ડલ તેમજ વોટ્સએપ ચેનલ મારફતે જન હિતમાં સૂચનાઓ તથા સાવચેતીના પગલા બાબતે સમયાંતરે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
ભારે વરસાદના કારણે જો આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો જિલ્લા ફાયર સ્ટેશન, વેરાવળની ટીમ તથા એક એન.ડી.આર.એફ. ની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સામાન્ય સ્થિતિના કારણે અન્ય કોઇ મદદ કે રેસ્ક્યુ સબંધિત ફરિયાદ મળી ન હતી. પરંતુ આગમચેતીના ભાગરૂપે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકોને સતત માર્ગદર્શન આપી સાવચેત રહેવાની અપીલ કરવા અને કોઈ મુશ્કેલી જણાય તો કંટ્રોલરૂમનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું હતું.