હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયથી સર્વોદયના સંકલ્પ સાથે આદિવાસી સમાજના કલ્યાણ માટે રાજય સરકાર સંકલ્પબદ્ધ છે. સંયુકત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ ૧૯૯૪થી પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારથી સમગ્ર વિશ્વમાં ૯ ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીએ શ્રી બિરસામુંડા અને આદિવાસી દેવ-દેવતાઓનું પુજન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસમુંડાએ બિહાર અને ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો તે જણાવી રાજય મંત્રી ભખુસિહંજીએ કહ્યું હતું કે, રાજયભરના ૧૪ આદિવાસી બહુલ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજે હંમેશા પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કર્યું છે. મંત્રીશ્રીએ સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે તેમ જણાવી સૌ વનબંધુઓને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના રૂ.૧,૩૦૮ લાખના ૨૯૭ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ –ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રૂ.૨૬૮ લાખના ખર્ચે તૈયાર થયેલા ૯૨ કામોનું લોકાર્પણ અને રૂ.૧,૦૪૦ લાખના ખર્ચે થનાર ૨૦૫ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા ખાતેથી યોજાયેલ “વિશ્વ આદિવાસી દિવસ”ના કાર્યક્રમનું ઉપસ્થિત સૌએ જીવંત પ્રસારણ નીહાળ્યુ હતું.
આ પ્રસંગે આદિવાસી વિકાસની યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વનબંધુ સમાજના વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી, કલાકારો તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું. સાંસદ જશુભાઈ રાઠવાએ સંસદસત્ર શરૂ હોવાથી વનબંધુઓ માટે ખાસ સંદેશ મોકલ્યો હતો જેનું આ તકે વાંચન કરવામાં આવ્યું હતું. ૧૩૭ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર પ્રાંતઅધિકારી વિમલ બારોટ દ્વારા સમાપન વિધિ કરવામાં આવી હતી.
આકાર્યક્રમમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભગત, નાયબ કલેકટર ગામીત, જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારી-કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં વનબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.