હિન્દ ન્યુઝ, ધરમપુર
મનુષ્યજીવન દુર્લભ છે અને ‘મનુભર્વ’ માણસ બનો અને સાચા અર્થમાં ‘મનુષ્યત્વને દીપાવો’ એ ભારતીય સંસ્કૃતિનો પરમ આદર્શ છે. એટલે શિક્ષણને મનુષ્યનો ‘બીજો જન્મ’ કહેવામાં આવ્યો છે. ગુરુ પાસે શિક્ષણ મેળવીને વ્યક્તિ મસ્તિષ્ક,હાથ અને હૈયાનો સદુપયોગ કરી શ્રેષ્ઠ નાગરિક બને અને મનુષ્યો ચિત્ત વ્યક્તિત્વ વિકસાવી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સમુન્નત કરવામાં પોતાની બુદ્ધિ, જ્ઞાન અને અનુભવ સમર્પિત કરી ‘ત્યાગીને ભોગવી જાણો’ નો પરિતોષ અનુભવી શકે,એવા જીવનવિકાસમાં શિક્ષણ એને સજ્જ બનાવે. પોતાના માનવીય સંબંધો ઉદાત બનાવે, અનુકૂલન સાધી સમાજમાં શાંતિ વિકસાવામાં મદદરૂપ બને, એ માટે એણે ‘મનને મુક્ત’ બનાવવું પડે, સંકીર્ણતાઓ ત્યજવી પડે.એવા ‘ભગવદીય’ મનના ઘડતરમાં વિદ્યા કે શિક્ષણ માણસને મદદરૂપ થાય છે. ઈર્ષા, દ્રેષ,વેરવૃત્તિ, અનીતિ, અન્યાય, શોષણવૃત્તિ, હિંસા,ભ્રષ્ટાચાર, સ્વચ્છંદતા અસંયમ વગેરે ને જીવનમાંથી જાકારો આપવામાં શિક્ષણ માનવજીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સદાચાર અને ચારિત્ર્યશીલ માનવી માનવતાની મહામૂડી છે. મહાપુરુષોને પ્રેરક અને પાવનકારી જીવનપ્રસંગો માણસ માટે પ્રેરણાની પરબ ની ગરજ સારે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિને સંતોના ત્યાગ અને તપનિષ્ઠ જીવનચરિત્રો વિશેના બોધ સુલભ બને છે. કેળવણી તેને ઉદાત જીવનમૂલ્યો અપનાવવાની પ્રેરણા આપે છે. શિક્ષણ માણસના મનનો પરિષકાર કરી તેને ભૌતિક વિષયો પાછળ દોડતું અટકાવવાનો ઉપાય સૂચવે છે. સ્વામી રામતીર્થે એટલે કહ્યું હતું કે, શિક્ષણ માણસને સાચી સ્વતંત્રતા અને મુક્તિ પ્રાપ્તિનો માર્ગ ન સૂચવે તો તેવા શિક્ષણને ધિક્કાર છે. શિક્ષણ જીવન માટે છે, માત્ર આજીવિકા માટે નહીં. ‘જીવિકા’ માટેની ભૂખ માણસને ભૌતિકવાદી બનાવી તેના મનને કુંઠિત કરી નાખે છે, પરિણામે આત્મકેન્દ્રી બની જાય છે.
જે કૃષ્ણમૂર્તિ એ સાચું જ કહ્યું છે કે, “પરીક્ષામાં ઉત્તીર્ણ થવું, ઉપાધિ મેળવવી, નોકરી પ્રાપ્ત કરવી, પરણી જવું અને જીવનમાં સ્થિર થવું એટલું જ માત્ર શિક્ષણ નથી. પક્ષીઓને સાંભળવા શક્તિમાન થવું,આકાશને નિહાળવું,વૃક્ષની અસાધારણ શોભાના અને ટેકરીઓના આકારનાં દર્શન કરવા અને તેમને અનુભવવા,તેમને સાચેસાચા અને સીધા સંપર્કમાં આવવું તે શિક્ષણ”.
શિક્ષણ ‘મળતર લક્ષી’ કે ‘રળતર લક્ષી’ નહીં, પણ ‘જીવનઘડતર લક્ષી’ બને એ જરૂરી છે. એ માટે શિક્ષણને કેળવણી બનાવવાની જરૂર છે. શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી.પીટર માર્શલે કહ્યું છે તેમ,હે પ્રભુ, જ્યારે હું ખોટો હોઉં ત્યારે મને સુધારવાની વૃત્તિ આપજે અને જ્યારે હું સાચો હોઉં ત્યારે તેને વળગી રહેવાની શક્તિ આપજે.’
શિક્ષણ માણસ ‘મેન’ નહીં ‘જેન્ટલમેન’ બનવા સજ્જ બનાવે છે. ‘ગૃહસ્થ’ નહીં, ‘સદગૃહસ્થ’ બનવાની તાલીમ આપે તે શિક્ષણની સાર્થકતા છે. શિક્ષણ ‘સત્યમ’ (જ્ઞાનાત્મક) ‘શિવમ'(ક્રિયાત્મક) અને સુંદરમ્ (ભાવનાત્મક) બને એ આજના શિક્ષણની સાચી માંગ છે. જ્ઞાન માણસને રાવણ પણ બનાવી શકે તેમ જ વિવેક અને સંયમ વડે એને ‘રામત્વ’થી વિભૂષિત પણ કરી શકે. આજનું જગત ‘કામ’ અને ‘દામ’ પાછળ દોડી રહ્યું છે, પણ સંયમની પાઠશાળામાં દીક્ષિત થયું નથી.
કેળવાયેલી વ્યક્તિ કેવી હોય? આર્થર એચ કોમ્પટને કહ્યું છે તેમ દરેક શિક્ષિત વ્યક્તિએ વિચારવું જોઈએ કે….
+ Has my education made me a friend of good cause
+ Has may education made me brother of weak?
+ Do I see anything to love in a little child?
+ Do I enjoy belong along
+ Do I believe in dignity of labour?
+ Can I look in to a mind mud puddle and see the blue sky?
+ Can I go out in night, look in to sky and see beyond the sky?
+ Is my life Linked with infinite?
મહાવીર સ્વામી એ કહ્યું છે તેમ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું અંતરમાં તો જ વહે,જે અંતર – વિકસિત થયું હોય. એટલે આજના શિક્ષણમાં ‘આઈ-કયુ’ (ઇન્ટેલિજન્સ કવોશંટ) એટલે કે કેવળ ઊંચો બૌદ્ધિક આંક ધરાવતા નહીં પણ’EQ’ (ઈમોશનલ કવોશંટ)એટલે કે ભાવનાત્મક આંક તથા ‘SQ’ એટલે કે ‘સિપરિચયુઅલ કવોશંટ’એટલે કે હૃદય અને બુદ્ધિમાં અધ્યાત્મિક ભીનાશ ધરાવતા શિક્ષિતોની જરૂર છે. કાકા કાલેલકરે ઉચિત જ કહ્યું છે કે “કેળવણીથી ધર્મબુદ્ધિ જાગૃત થવી જોઈએ, કેળવણીથી કુવાસનાનો નાશ થવો જોઈએ.” વિદ્યાનો મોટામાં મોટો લાભ એ છે કે માણસ સ્વાર્થ ભૂલી જાય છે અને તેની દૃષ્ટિ નિર્મળ થાય છે. બુદ્ધિ નિર્મળ થશે ત્યારે જ રાગદ્વેષ નષ્ટ થશે, મનમાંથી હિંસા નીકળી જશે અને પ્રાણીમાત્ર પર પ્રેમ ઉપજશે. આજના વિશ્વ સામેનો મોટો પડકાર છે શિક્ષણને ‘કેળવણી’ બનાવવાનો…….!
રિપોર્ટ : મહેશ ટંડેલ, ધરમપુર
Advt.
‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા રાજકોટ ખાતે 25મી જુલાઈ 2024 નાં રોજ “પત્રકાર રત્ન એવોર્ડ – 2024” નો ભવ્ય કાર્યક્રમ મહાનુભાવો ની ઉપસ્થિતિ માં યોજાશે
નામ નોંધણી કરાવવા માટે સંપર્ક કરો📲 9825095545