હિન્દ ન્યુઝ, ભાવનગર
મુસ્લિમ સમાજના મહોરમ તહેવારની ઉજવણી આગામી ૧૬ અને ૧૭ જુલાઈના રોજ થવાની છે. આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઇ હતી કે, ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજીયાઓની સંખ્યા આશરે ૩૫ છે અને તેની સામે માનતાના તાજીયોઓ જોડાશે. આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ-રસ્તા પર પેચવર્ક, જરૂરી સ્થળોએ લાઈટિંગ ની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું.
૧૬ અને ૧૭ જુલાઈના રોજ તાજીયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાં માટે કમિશ્નરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, સેન્ટ્રલ તાજીયા કમિટીના પ્રમુખ સૈયદ હુસૈનમિયાંબાપુ, ઉપપ્રમુખ રજાકભાઇ કુરેશી, આગેવાન ઇકબાલ આરફ, કાળુભાઈ બેલીમ, સબીર ખલાણી, સિરાજ નાથાણી તેમજ મુસ્લિમ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Advt.