હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
માનવી શરીર ભૂમિ, વાયુ, જલ, અગ્નિ અને આકાશ એમ પાંચ તત્વોનું બનેલું છે. મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પંચતત્વો પર નિર્ભર કરે છે. સમયની સાથે પરિવર્તનો થયા, સમયની માંગ પ્રમાણે પરિણામો પરિણામલક્ષી નથી, આજે પર્યાવરણહિતેષી પ્રાકૃતિક ખેતી જરૂરી બની છે. વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી.. આજે પરિસ્થિતિ જુદી છે. અન્નદાતાઓ પણ જાગૃત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વીજળી ગામના શૈલેષભાઇ રાઠવા પણ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને ધ્યાને લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તેઓ પોતે તો પર્યાવરણહિતેષી કૃષિને અપનાવી અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરે છે.
શ્રી રાઠવા સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું કે, ખરેખર પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતિ જરૂરી છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો છે, ઉત્પાદન સારી ગુણવત્તાનું મળે છે, વર્તમાન બજારમાં માંગ છે.
શૈલેષભાઇ પોતાના અમીધાર ફામમાં ૭ થી ૮ પ્રકારની શાકભાજીના (ગલકા, કારેલા, ભીંડા, ચોળી, દૂધી, રીંગણ, મરચા, તુરીયા) નું વાવેતર કર્યું છે. જેમાં બીજામૃતનો ઉપયોગ થયો છે. ગાય આધારિત ખેતીમાં બીજામૃત, જીવમૃત, ગહન જીવમૃત જેવા કુદરતી રીતે તૈયાર ખાતરોનો છંટકાવ કરીને પોતાની જમીનને ફળદ્રુપ બનાવીને વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, મારા ખેતરની આસપાસના ( આંબા, કારેલા, પપૈયા, સીતાફળ, હલદર) છોડના પર્ણમાંથી દશપર્ણીઅર્ક બનાવી સમયાંતરે છંટકાવ કરીએ છીએ.
પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને પાંચ આયામનો ઉપયોગ કરવાંથી જમીન ભરભરી અને ફળદ્રપ બનતા શાકભાજીનું ઉત્પાદન વધુ મળે છે. શાકભાજી પર કુદરતી લેયર બનતા તે લાંબા સમય સુધી ખરાબ નથી થતા તેમજ તેનો સ્વાદ પણ મીઠો આવે છે. પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજીની માંગ પણ વધી રહી છે.
પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ ૨૦૧૯ માં શૈલેષભાઈને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આત્મા દ્વારા ૨૦૧૭ માં તાલુકા કક્ષાએ બેસ્ટ ફાર્મર એવોર્ડ પ્રાપ્ત કરી ચુક્યા છે. પ્રાકૃતિક કૃષિ માસ્ટર ટ્રેનર તરીકે હાલ ૩૦થી વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે.ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તેઓ ગામે ગામે જઇ લોકોને પ્રાકૃતિક કૃષિની તાલીમ પણ આપે છે.
Advt.