હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુરના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, હાલના દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે. બાળ લગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઇયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને જણાવવામાં આવ્યું છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દિકરા-દિકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે.
બાળ લગ્ન કરવા પર બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ રૂ. એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે. કોઈ નાગરિકને બાળલગ્ન થતા જોવા મળે તો સામાજિક જવાબદારી સમજીને આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના લાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, છોટાઉદેપુરના ફોન નંબર ૦૨૬૬૯-૨૩૩૩૮૪, જિલ્લા બાળ સુરક્ષા એકમ, છોટાઉદેપુરના ફોન નંબર ૦૨૬૬૯- ૨૩૩૩૮૫, ચાઇલ્ડ લાઈનના ફોન નંબર ૧૦૯૮, પોલીસ સ્ટેશનના ફોન નંબર ૧૦૦ અથવા મહિલા અભય હેલ્પલાઇન ૧૮૧ પર સંપર્ક કરવા આ યાદીમાં વધુમાં જણાવાયું છે. બાળલગ્નની જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.