હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા. ૭ મેના રોજ મતદાન યોજનાર છે. જે અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા મતદાતાઓને મતદાનના દિવસે કોઇ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિશે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો ઘણી વખત મુંઝવણ અનુભવતા હોય છે.
આ બાબતને ધ્યાને લઇ ચૂંટણી પંચ દ્વારા યોજાયેલ Know Your Polling Station અભિયાનનું આયોજન આણંદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું.
જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ “Know Your Polling Station” (તમારા મતદાન મથક ને ઓળખો) અંતર્ગત જિલ્લાના તમામ ૧૭૭૩ મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસર હાજર રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી આ કાર્યક્રમ અંતર્ગત બોરસદ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લઈ બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવતી કામગીરી નિહાળી હતી. જ્યારે વેલ્ફેરના નોડલ અધિકારી અને અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયકે પેટલાદ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
આ દિવસે બૂથ લેવલ ઓફિસર મતદાર યાદી સાથે મતદાન મથક ખાતે હાજર રહ્યા હતા. મતદાન મથકો ખાતે આવેલ મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ અને મતદાન મથકની જાણકારી આપવામાં આવી હતી તેમજ મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા એટલે કે જેમની પાસે ચૂંટણી કાર્ડ એટલે કે એપીક નથી તેવા મતદારો બીએલઓ દ્વારા આપવામાં આવેલી કાપલીથી મતદાન ન કરી શકે પરંતુ ૧૨ જેટલા ફોટો ઓળખ સાથેના પુરાવા હોય તો મતદાન કરી શકે તેમ જણાવી તેની સમજ આપવામાં આવી હતી.
ઉપરાંત ચૂનાવી પાઠશાળા અંતર્ગત વિવિધ ગામ ખાતે બી.એલ.ઓ તલાટી દ્વારા ગ્રામજનોને ભેગા કરી ચૂંટણીલક્ષી માહિતી આપવામાં આવી હતી. જેમાં મતદાનની તારીખ, મતદાનનો સમય અને મતદાન મથકો ખાતે પોસ્ટર્સ બેનર્સ લગાવીને ગરમી વધારે હોવાથી લુ ન લાગે તે માટે શું કરવું ? અને શું ના કરવું ? જેવી માહિતી પણ આપવામાં આવી હતી. આ વેળાએ તમામ મતદાન મથકોની સફાઈ પણ કરવામાં આવી હતી.