૧૬-આણંદ લોકસભા બેઠકમાં વિવિધ વિધાનસભા મતવિસ્તાર ખાતે હાથ ધરાઈ મતદાનજાગૃતિ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, આણંદ

    ૧૬- આણંદ લોકસભા બેઠકના વિવિધ મતવિસ્તારોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.જેના ભાગરૂપે ૧૦૯- બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં આઈ.સી.ડી.એસ ઘટક-૨ ની આંગણવાડી બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢીને હું અવશ્ય મતદાન કરીશ સૂત્ર દ્વારા મતદારોને મતદાનનું મૂલ્ય સમજાવી અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ બોરસદ શહેરી વિસ્તારમાં આવેલ ભાઈશ્રી મોલના કર્મીઓ દ્વારા પણ મતદાન જાગૃતિના સ્લોગન સાથેના પોસ્ટર રજૂ કરી મતદારોને મતદાનની ફરજ નિભાવવા અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ અહિમા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે તાલુકા વિકાસ અધિકારી, ઉમરેઠની ઉપસ્થિતિમાં ગ્રામજનોને સાથે રાખીને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજી મતદારોને અચૂક મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા.

૧૧૨- આણંદ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ વલ્લભ વિદ્યાનગર સ્થિત આઇ.બી. પટેલ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજીને મતદારોને મતદાન અવશ્ય કરવા અંગે જાગૃત કરાયા હતા. તેમજ કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ મતદાન શપથ પણ લીધા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ દ્વારા જિલ્લાના તમામ મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

જ્યારે ૧૧૩-પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ઠ ચાંગા ગામે આવેલ ચારૂસત એજ્યુકેશન એક્સ્પો ખાતે મતદારોને મતદાન કરવા અંગે પ્રેરિત અને જાગૃત કરવા વિવિધ પ્રકારના આકર્ષક સેલ્ફી પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. આ સેલ્ફી પોઇન્ટ પર ફોટો પડાવીને મતદારો પોતે અવશ્ય મતદાન કરે તેમજ અન્યો પણ આવા ફોટોથી પ્રેરિત થઈને મતદાન કરવાનો સંકલ્પ લે તે રીતે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમો દરમિયાન ગામના તલાટી, આઈસીડીએસ સુપરવાઈઝર, આંગણવાડી કાર્યકર બહેનો, સખીમંડળની બહેનો, મહિલાઓ સહિત વિદ્યાર્થીઓ, શહેરીજનો અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આણંદ લોકસભા મતવિસ્તારની ચૂંટણીમાં આણંદ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયાં છે.

Related posts

Leave a Comment