શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ 

આજે જ્યારે સમગ્ર દેશમાં હોલિકા દહન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ રૂપે પર્યાવરણ ને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી ના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ) અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ એ પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજ્યું હતું.

શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિધિવત પૂજન કરીને હોલિકા પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના પૂર્વ માહિતી કમિશનર દિલીપ ઠાકર સોમનાથ ટ્રસ્ટ પરિવાર, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, સ્થાનિક તીર્થ પુરોહિતો, સોમનાથ દર્શને આવનાર ભક્તો જોડાયા હતા. 

આ વૈદિક હોલિકા દહનમાં સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ઠ, સાત પ્રકારના અનાજ, કપૂર અને વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવેલ. શાસ્ત્રોકત દૃષ્ટિએ તેમજ આયુર્વેદ અનુસાર ઉપરોક્ત સામગ્રીઓનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે વાત, પિત્ત અને કફના દોષોને પણ દૂર કરનાર છે. આ પવિત્ર દ્રવ્યોથી હોલિકા દહન કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

આ પ્રસંગે સૌએ મળીને હોલિકમાં પ્રજ્વલિત અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ ના માધ્યમથી વૈદિક હોલિકા પદ્ધતિને અને વૈદિક સંસ્કૃતિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment