રૂ. ૪ લાખની લોનથી મિતેશભાઈના પત્રકારત્વના પગરણ સરળ બન્યાં

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની સહાયથી અનેક જરૂરિયાતમંદ લોકો પગભર બન્યાં છે. પગભર બનીને તેઓ આત્મનિર્ભર પણ બન્યાં છે. આવા જ એક લાભાર્થી છે મિતેશભાઈ પરમાર…. કે જેઓ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

શરૂઆતના તબક્કે તેઓને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરવું હતું. પરંતુ તે માટે કેમેરા, ટ્રાઈપોડ સહિતના સાધનોની જરૂરિયાત હતી. તેમની પાસે શબ્દોની તાકાત હતી, પરંતુ આર્થિક શક્તિ ન હતી. જેના કારણે તેઓ ઈલેક્ટ્રોનિક મીડિયા માટે જરૂરી કેમેરા સહિતના સાધનો વસાવી શકતાં નહોતા. આવા સમયે તેમણે અખબારમાં ગુજરાત પછાત વિકાસ નિગમની જાહેરાત જોઈને લોન સહાય માટેની અરજી કરી હતી.

આ અરજી કર્યાના થોડા સમયમાં તેમને ગાંધીનગરથી ગુજરાત પછાત વિકાસ નિગમની કચેરીએ બોલાવવામાં આવ્યાં હતાં અને જરૂરી કાગજી કાર્યવાહી કરીને તુરંત તેમને રૂ.૪ લાખની લોન સહાય મંજૂર કરવામાં આવી હતી.

આ સહાયના સથવારે તેઓ તેમના કૌશલ્યમાં નિખાર લાવવા સાથે તેમને પસંદગીના ક્ષેત્ર એવા પત્રકારત્વમાં આગળ વધવા માટેની જરૂરી અનુકૂળતા થઈ હતી અને અત્યારે તેઓ તેમની ચેનલમાં સારી રીતે કાર્ય કરી રહ્યાં છે. આ લોન સહાયના કારણે તેઓની આવકમાં વધારો થયો છે. તેઓ ખરેખર આત્મનિર્ભર બન્યાં છે. તે ઉપરાંત, તેમની કામ કરવાની ઝડપમાં પણ વધારો થયો છે. તેમણે આ લોન સહાય માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment