હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરેન્દ્રનગર ખાતેથી ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન- 2024’નો રાજ્યવ્યાપી શુભારંભ તેમજ વિવિધ વિભાગોના ₹1584 કરોડના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ વિકાસને દર્શાવતી ‘સુરેન્દ્રનગર વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી પ્રયત્નોના પરિણામે શરૂ થયેલ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ જનભાગીદારીથી ગુજરાતનાં જળાશયોની વરસાદી પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે, જેના પરિણામે નારીશક્તિ અને અન્નદાતાનું જીવન ખુશહાલ બન્યું છે.
સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એવા સુરેન્દ્રનગરમાં રોડ-રસ્તા, રેલ્વે સહિત વિભિન્ન જનહિતકારી પ્રકલ્પોની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીએ ગરીબો, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સશક્તિકરણની સાથોસાથ અર્બન અને રૂરલ વિસ્તારોમાં સુદઢ વિકાસ સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.